Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ ખાતે પ્રભારી મંત્રી યોગેશભાઈ પટેલના વરદ્ હસ્તે મેડીકલ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

  • June 12, 2021 

તાપી જિલ્લાના ઉચ્છલ (સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ) ખાતે રાજ્ય નર્મદા, શહેરી ગૃહ નિર્માણ તેમજ તાપી જિલ્લા પ્રભારી મંત્રી યોગેશ પટેલના વરદ્ હસ્તે મેડીકલ ઓક્સિજન( PSA ) પ્લાન્ટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા,ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા,જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

 

 

 

 

મંત્રી યોગેશભાઈ પટેલે જિલ્લામાં સૌપ્રથમ મેડીકલ ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એપ્રિલ માસ સમગ્ર રાજ્ય અને દેશ માટે ખરાબ સમય હતો. આ સમય દરમિયાન રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર તથા આરોગ્ય વિભાગની ટીમોએ સજાગ બની ખૂબ જ સરાહનિય કાર્ય કર્યું છે. નાનાથી લઇ મોટા સુધીના બધાજ લોકોએ કોરોના વાઈરસના પ્રતિકાર માટે સાથે મળીને પોતાનું યોગદાન આપ્યું છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે પહોંચી વળવા સરકાર કટીબધ્ધ છે. ત્યારે WHOની ગાઈડ લાઈન મુજબ આપણે સાવચેત રહીને કામગીરી કરવાની છે.

 

 

 

 

સુરત રેન્જના અધિક પોલીસ મહાનિર્દેશક ડો.રાજકુમાર એસ.પાંડિયને જણાવ્યું હતું કે, પોલીસે ફરજ તરીકે નહીં પણ સેવાના અભિગમથી કામગીરી કરી છે. કોરોના મહામારીમાં ગરીબ વિસ્તારમાં ૫૦ હજારથી વધુ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે.  ત્રીજા વેવમાં બાળકો અને વૃધ્ધોને બચાવવા માટે આપણે તૈયાર રહેવાનું છે. તેમ જણાવી આ સમય દરમિયાન સૌએ કરેલ માનવસેવાને બિરદાવી હતી.

 

 

 

 

કલેકટર આર.જે.હાલાણીએ જણાવ્યું હતું કે, આપણે શરૂઆતના તબક્કામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કેસો આવ્યા હતા. બીજી લહેરમાં કેસોનું પ્રમાણ વધ્યુ હતું પરંતુ હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારી, રેમડેસીવીર ઈન્જેક્શનો, દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં હતો. જેથી બીજા જિલ્લાઓની સરખામણીમાં ખાસ અસર થઇ નથી.

 

 

 

 

જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારે સ્વાગત કરતા જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ લોકોને બચાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે પોલીસ વિભાગ કોરોના સંક્રમણ ફેલાય જ નહીં તે માટે ગૃહ વિભાગની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા, સેનેટાઈઝ કરવા તથા વારંવાર હાથ ધોવા જેવી બાબતો માટે લોકોને કાયદાનું પાલન કરાવવાની વિશેષ જવાબદારી પોલીસે અદા કરી છે.

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સેતુના અનુદાનથી નવતર અભિગમ અપનાવ્યો હતો.અહીંના સ્થાનિક આદિવાસી વિસ્તારમાં વસતા મહત્તમ ચૌધરી અને ગામીત લોકોને તેમની બોલીમાં કોરોનાથી બચવા માટેનો સંદેશ આપતા ગીતો તૈયાર કરવામાં આવ્યા છે. સ્થાનિક કલાકારોએ લોકબોલીમાં ગીતોની રચના કરી લોકસંગીત લોકોને પીરસતા કોરોના સામે તકેદારી રાખવા માટે આ ગીતો મારફતનો સંદેશ ઝડપથી લોકો સુધી પહોંચે અને જાગૃતિ આવે તે માટે પોલીસ વિભાગના પ્રયાસને મંત્રી યોગેશ પટેલે બિરદાવી અભિનંદન આપ્યા હતા.

 

 

 

 

અનુપમ રસાયણ ઈન્ડિયા લી.સુરત તરફથી અનુદાનીત તાપી જિલ્લાના અંતરિયાળ તાલુકામાં સૌપ્રથમ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. જેની કેપેસીટી ૫૦૦ લીટરપર મીનીટની છે. જે ઓક્સિજન  દર્દીઓના ઉપયોગ માટે સહેલાઈથી મળી રહેશે.અહીં કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર માટે ૨૫ બેડનું ડેડીકેટેડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેના માટે ઓક્સિજનના બોટલ લાવવા માટે વ્યારા ખાતે ૫૦ કી.મી.જવુ પડતુ હતુ. જેના માટે સમય પણ વ્યય થતો હતો. અને દર્દીઓ માટે જોખમ પણ હતુ. જેના માટે મોટા પ્રમાણમાં મેનપાવર પણ જરૂરી હતો. હાલમાં આ પ્લાન્ટના કારણે ૫૦ બેડને ઓક્સિજન પુરવઠો અવિરત મળી રહેશે.

 

 

 

 

ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ, જનરલ હોસ્પિટલ સિવિલ સર્જન ડો.નૈતિક ચૌધરી, સુ.ડી.કો.બેન્ક ચેરમેન નરેશભાઈ પટેલ,ડો.જયરામભાઈ ગામીત સહિત અધિકારી/કર્મચારીઓ સહિત મહાનુભાવો ઉપિસ્થત રહ્યા હતા. આભાર વિધિ પ્રાંત અધિકારી મેહુલ દેસાઈએ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application