નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈનાં હસ્તે વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં માંગરોળ તાલુકાના ભાટકોલ ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની કીમ ઔદ્યોગિક વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું હતું. DGVCL ની કડોદરા અને સુરત રૂરલ વિભાગીય કચેરીમાંથી વિભાજિત કરીને કીમ વિભાગીય કચેરીનું નિર્માણ કરાયું છે. આ નવીન કચેરી કાર્યરત થવાથી કોસંબા, કીમ, મોલવણ, કઠોર, પિપોદરા, મોટા બોરસરા, સાયણ વગેરે વિસ્તારોના વીજ ગ્રાહકોને આ કચેરીથી વીજ સેવાઓ મળી રહેશે, તેમજ ઔદ્યોગિક, વાણિજ્ય અને રહેણાંક વિસ્તારોના વીજ ગ્રાહકોને તેનો બહોળો લાભ મળશે.
આ પ્રસંગે નાણામંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં રાજ્યના નાગરિકોને ૨૪ કલાક વીજળી સુલભ બને એવા સંકલ્પને સિદ્ધ કર્યો, પરિણામે સમગ્ર ભારતમાં વીજ વિતરણ અને વીજ ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ૧૦ લાખ ખેતીવાડી વીજ કનેક્શનો વેઈટીંગમાં હતા, જે પૈકી હવે માત્ર ૪૦-૫૦ હજાર કનેક્શનો બાકી રહ્યા છે, જે કામગીરી આગામી અંદાજે ૩ થી ૪ મહિનામાં પૂર્ણ કરાશે. સાથે સાથે સ્થાનિક વિસ્તારમાં ઉદ્યોગોની વીજમાંગ પૂરી કરવા આગામી બે મહિનામાં જ તમામ ઔદ્યોગિક એકમોને પૂરતો વીજપૂરવઠો મળે અને બાકી રહેતા વીજ કનેક્શનો ઉપલબ્ધ થાય એવું આયોજન થઈ રહ્યું છે.
વધુમાં તેમણે જણાયું કે, ખેતીવાડી, ઉદ્યોગ અને પ્રવાસનના સમાંતર વિકાસ માટે સરકાર હંમેશા સતત પ્રયત્નશીલ રહી છે. પૂરતી વિજળી અને હકારાત્મક સરકારી નીતિઓના કારણે ગુજરાત રાજ્ય રોકાણકારો-ઉદ્યોગકારો માટે સ્વર્ગ સમાન બન્યું છે. મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં નવા સબસ્ટેશનો બનતા વીજળીની સમસ્યાઓનું નિરાકરણ થયું છે. છેલ્લા પાંચ વર્ષમાં સ્થાનિક વિસ્તારમાં નવા ૧૩ સબસ્ટેશન સ્થાપવામાં આવ્યા છે, વર્ષ ૨૦૨૩-૨૪માં નવા અન્ય ૧૦ સબસ્ટેશનો બનાવાશે. જેથી વીજળીને લગતી સમસ્યાઓનું સરળ નિરાકરણ થશે. આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, સ્થાનિક નાગરિકોની વર્ષોની માંગ પૂરી કરતા રાજ્ય સરકારે નવીન વિભાગીય કચેરી કાર્યરત કરી છે. મેન્ટેનન્સ અને અન્ય કામગીરી માટે વિજકાપ મૂકવામાં આવે છે, પરંતુ રાજ્યમાં વીજળીની અછતથી ક્યારેય વીજકાપ સર્જાયો નથી.
સૌથી વધુ વીજળીનો ઉપયોગ કરવામાં તેમજ રિન્યુએબલ સોલર એનર્જીના ઉપયોગમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવે છે. રાજ્યમાં માથાદીઠ ૨૨૮૫ યુનિટ વીજવપરાશ છે. વધુમાં શ્રી પટેલે જણાવ્યું કે, માંગરોળમાં નવા ૫ સબ સ્ટેશનો, ઓલપાડના વેલંજામાં ૨૨૦ કે.વી. સબ સ્ટેશન, કામરેજના કઠોદરામાં ૬૬ કે.વી.સબ સ્ટેશન સ્થપાશે. રાજ્યમાં થઈ રહેલા ઝડપી ઔદ્યોગિક વિકાસના પરિણામે વિજમાંગમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે, ત્યારે વીજ પૂરવઠો પૂરો પાડવામાં સરકાર અગ્રેસર છે એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, લોકોની માંગણીને ધ્યાને રાખીને નિર્માણ પામેલી કીમ વિભાગીય કચેરીથી માંગરોળ, માંડવી, ઓલપાડ અને કામરેજ તાલુકાના વીજલાભાર્થીઓ, ખેડૂતો, અરજદારોને સુવિધા મળશે. લાભાર્થે આ કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સ્થાનિક વિસ્તારમાં ૨૦૦૦થી વધુ નાના-મોટા ઉદ્યોગો આવેલા છે, ત્યારે આ કચેરીનો લાભ તમામ ઉદ્યોગોને પણ મળી રહેશે. અમારા પ્રયાસો અને રાજ્ય સરકારના પ્રતિસાદથી આ કિમ કચેરી નિર્માણ થતા હજારો લોકોને રાહત થઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500