Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોનાનાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા દેશભરની હોસ્પિટલોમાં મોક ડ્રિલનું આયોજન

  • April 10, 2023 

ભારતમાં કોરોનાના કેસોમાં દરરોજ ઉછાળો આવી રહ્યો છે. જેને પગલે અનેક રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા સતર્ક રહેવા આદેશ અપાયા છે. એવામાં હવે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) પણ ભારતને લઇને કોરોના મામલે ચેતવણી જાહેર કરી છે અને કોરોનાની નવી લહેર આવી રહી હોવાની ભીતિ વ્યક્ત કરી છે. WHOનાં દક્ષિણ-પૂર્વ એશિયાના ડાયરેક્ટર ડો.પૂનમ ખેત્રપાલસિંહે કહ્યું છે કે, ભારતનાં નાગરિકોમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી હોવાથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે દેશમાં કોરોનાની નવી લહેરનો ખતરો વધી ગયો છે. તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે, વર્તમાન કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે રસીકરણ પર વધુ ધ્યાન આપવું પડશે અને વધુ મજબૂતાઇથી કોરોનાનો સામનો કરી શકે તેવી રસીનો ઉપયોગ વધારવો પડશે.






WHO દ્વારા ચેતવણી આપવામાં આવી છે ત્યારે બીજી તરફ દેશમાં કોરોનાનાં નવા 5357 કેસો સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 32, 814એ પહોંચી છે. કોરોનાને કારણે દેશમાં વધુ 11 લોકોનાં મોત નિપજ્યા છે. જે સાથે જ કોરોનાનો કુલ મૃત્યુઆંક 5,30,965એ પહોંચ્યો છે. જ્યારે કોરોનાના કુલ કેસોની સંખ્યા 4.47 કરોડને પાર પહોંચી ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશભરમાં કોરોનાની રસીના કુલ 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યારે હવે માસ્ક પહેરવાનું પણ કેટલાક રાજ્યોમાં ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. હરિયાણા સરકારે કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધુ છે.






જ્યારે કેરળમાં પણ કોરોનાની સ્થિતિ વકરી રહી છે ત્યારે રાજ્ય સરકારે ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને ગંભીર બીમારીનો સામનો કરી રહેલા લોકો માટે માસ્ક પહેરવુ ફરજિયાત કરી દીધુ છે. કેરળમાં કોરોનાને કારણે સૌથી વધુ મોત 60 વર્ષથી વધુ વયના અને ગંભીર બીમારીથી પીડિત લોકોમાં જોવા મળ્યું છે. હરિયાણા, કેરળની જેમ જ પુડ્ડુચેરીમાં જાહેર સ્થળો પર માસ્ક પહેરવુ ફરજિયાત કરવામાં આવ્યું છે. હોસ્પિટલો, રેસ્ટોરંટ, દારુની દુકાનો, મનોરંજન સ્થળો વગેરે જાહેર સ્થળો પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. અન્ય રાજ્યોમાં પણ જો કોરોનાના કેસો વધશે તો ત્યાં પણ માસ્ક પહેરવુ ફરજિયાત કરવામાં આવી શકે છે.






બીજી તરફ કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા દેશભરની હોસ્પિટલોમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોક ડ્રિલ 10થી 11 તારીખ સુધી ચાલશે, જે દરમિયાન રાજ્ય સરકારો દ્વારા હોસ્પિટલોમાં કોરોના સામે પહોંચી વળવાની શું સુવિધા છે તેની ચકાસણી કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા જાજ્જરની એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લેશે. આ પહેલા તેમણે સાતમી એપ્રીલે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓની સાથે બેઠક યોજી હતી અને રાજ્યની હોસ્પિટલોમાં મોક ડ્રિલની સુચના આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application