ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા બે દિવસથી વરસાદી મહોલે વિરામ લેતા નદી, નાળા અને ઝરણાંઓ શાંત મુદ્રાના લયમાં આવી દુગ્ધધારા માફક વહેતા થતા પ્રકૃતિપ્રેમીઓ માટે નયનરમ્ય નજારો બની જવા પામ્યો હતો. રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ગામડાઓમાં બે ત્રણ દિવસ પૂર્વે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેનાં પગલે સર્વત્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળી હતી. આ સાથે નદી નાળા અને ઝરણાંઓ પણ ગાંડાતુર બન્યા હતા. તેવામાં શનિ અને રવિવારે ડાંગ જિલ્લાના ગામડાઓમાં વરસાદી માહોલે વિરામ લેતા રૌદ્ર સ્વરૂપમાં વહેતા નદી, નાળા અને ઝરણાંઓ શાંત લયમાં આવી જઈ દુગ્ધધારાના દ્રશ્યોમાં વહેતા થતા પ્રકૃતિપ્રેમીઓ માટે નયનરમ્ય બની ગયા હતા. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલે વિરામ લેતા ફરવા આવેલ પ્રવાસીઓને મોજ પડી ગઈ હતી.
જોકે, પ્રવાસીઓએ બોટીંગ, રોપ વે, પેરાગ્લાયડીંગ સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આહવા, વઘઇ પંથક વરસાદ વિના કોરાકટ રહ્યા હતા. જ્યારે સુબિર પંથકમાં 3 મિમી તથા સાપુતારા પંથકમાં 5 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500