અસીમાનંદજીના સાંનિધ્યમાં શબરીધામ (સુબિર) ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે બે દિવસીય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિક ભકતો ઉમટી પડશે. ભાવિકો પંપા સરોવરમાં પવિત્ર સ્નાન કરી વાજતે ગાજતે રામ, લક્ષમણની શોભાયાત્રા દ્વારા સુબિર મંદિરે જઇ માતા શબરીના દર્શન કરે છે. દંડકારણય અર્થાત ડાંગ જિલ્લો એટલે રામાયણે કાળનું સંપૂર્ણ દંડકારણ્યક વન અને આ વનની શોભા વધારતું શબરીધામ (સુબિર) ખાતે દર વર્ષની જેમ આ વર્ષ પણ સ્વામી અસીમાનંદજીનાં સાંનિધ્યમાં શબરી માતા સેવા સમિતિ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે તા.13 અને 14નાં રોજ પ્રભુ રામ, લક્ષમણ આગમન તેમજ ભજન સત્સંગ સાથે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ગુજરાત, મહારાષ્ટ્રમાંથી માં શબરીનાં દર્શન અને પંપા સરોવરમાં સ્નાન કરવા હજારોની સંખ્યા ભાવિક ભક્તો ઉમટી પડશે. જયારે સુબિરનું શબરીધામ જગ વિખ્યાત છે. શબરી ધામ, રામાયણ કાળની દંતકથાનું જીવંત પાત્ર અને શ્રી રામ ભક્ત માતા શબરીના ભક્તિભાવનું પ્રતીક સમાન ડાંગનું શબરી ધામ કે જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આવીને માતા શબરીનાં દર્શન પામી ધન્યતા અનુભવે છે. હિન્દુનાં નવા વર્ષની શરૂઆત થતા જ તહેવારોમાં પ્રથમ મકરસંક્રાંતિનો તહેવાર આવે છે. આ તહેવાર નિમિત્તે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં પંપા સરોવરમાં પવિત્ર સ્નાન કરી વાજતે ગાજતે રામ, લક્ષમણની શોભાયાત્રા દ્વારા સુબિર મંદિરે જઇ માતા શબરીનાં દર્શન કરે છે.
અહીંની લોક વાયકા તેમજ દંત કથા મુજબ આ ગામનું નામ માતા શબરીનાં ઉપનામ પરથી સુબિર પાડવામાં આવ્યું છે. સીતાની શોધમાં નીકળેલા પ્રભુ રામ, લક્ષમણ એક દિવસ માતા શબરીની ઝુંપડીએ પધાર્યા હતા અને વર્ષોથી ભગવાનનાં આગમનની રાહ જોતી શબરી માતાએ પોતાના હર્ષાશ્રુથી પ્રભુના ચરણોનો અભિષેક કર્યો હતો. પ્રભુનું આગમન અને માતા શબરીનાં ભક્તિ ભાવથી ધન્યમાં શબરી એટલે જ સુબિરનું શબરી ધામ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500