Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૪૬ ઓટિઝમ પિડીત બાળકો નોંધાયા

  • April 01, 2023 

સમગ્ર વિશ્વભરમાં તા.૨જી એપ્રિલને ‘વર્લ્ડ ઓટિઝમ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. તા.૨ એપ્રિલ-૨૦૨૩ના રોજ ૧૬મો ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’ છે. ડિસેમ્બર ૨૦૦૭માં, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ પસાર કરેલા એક ઠરાવ મુજબ વર્ષ ૨૦૦૮થી દર વર્ષે ૨ એપ્રિલને "વિશ્વ ઓટિઝમ દિવસ" તરીકે મનાવવામાં આવે છે. જેનો હેતુ ઓટિઝમ અને સંબંધિત સંશોધન અને નિદાન અને ઓટિઝમ ધરાવતા બાળકો-લોકોમાં જાગૃતિ લાવવાનો છે. ઓટિઝમ મુખ્યત્વે બાળકોમાં જોવા મળતી માનસિક સ્થિતિ છે, જેમાં બાળક સામાન્ય લાગે, પરંતુ તે આત્મકેન્દ્રી અને ‘સ્વ’માં જ જીવતો હોય તેવું લાગે. એટલે કે ‘નજર સામે, પણ પહોંચની બહાર’ તેથી જ ઓટીસ્ટીક બાળકોને ‘તારા સમાન બાળકો" પણ કહેવામાં આવે છે.






ઓટિઝમનો ઉપાય માત્ર દવા જ નહીં, પણ ધીરજ પૂર્વકની સારસંભાળ, લાગણી, હૂંફ અને આત્મીયતાથી નોર્મલ બાળકની હરોળમાં લાવી શકાય છે. શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ ઓટિઝમ થઈ શકે છે. સુરત શહેર-જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૪૬ ઓટિઝમ પિડીત બાળકો નોંધાયા છે એમ જણાવતા ઓટિઝમ બાળક મંદબુદ્ધિ નથી હોતું, તેને હુંફ આપવામાં આવે તો તે હાઈલી ઈન્ટેલિજન્ટ બની શકે છે એમ ગર્વમેન્ટ મેડિકલ કોલેજ-સુરતના ડીન અને માનસિક રોગ વિભાગના વડા ડો.ઋતંમ્ભરા મહેતા ઉમેરે છે. ડો. ઋતંમ્ભરા મહેતાએ જણાવ્યું કે, 'ઓટિઝમ' એ કોઈ બીમારી નથી, પણ ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. તેના કોઈ દવા કે કોઈ ટેસ્ટ પણ નથી. જેમાં બાળક સામાજિક રીતે અન્ય સાથે જોડાઈ શકતું નથી, અને પોતાની લાગણીઓને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતું નથી.






જ્ઞાનતંતુઓના વિકાસની પ્રક્રિયામાં ક્ષતિથી થતું ઓટિઝમ એ જીવનભર રહેનારી સ્થિતિ છે. એટલે જેટલી જલ્દી બાળકમાં ઓટિઝમની જાણ થાય તેવી જ તેના ઉપચાર શરૂઆત કરવી જોઈએ. આ સમસ્યાને સંપૂર્ણ દૂર કરી શકાતી નથી, પણ હકારાત્મક અભિગમથી સારવાર કરવામાં આવે તો પીડિત પોતાની જરૂરિયાતો પૂરી કરી જીવી શકે તેટલું સક્ષમ બની શકે છે. ઓટિઝમ સામે લડવામાં ધીરજ, પ્રેમ અને વાત્સલ્યભાવ એ રામબાણ ઇલાજ છે, જેનું ઉત્તમ ઉદાહરણ સુરતમાં રહેતા ઓટિઝમપીડિત ૭ વર્ષીય સાગર અને માતા વિભાબેન (નામ બદલ્યા છે)એ પૂરૂ પાડ્યું છે. તેઓ પોતાના ઓટીસ્ટ બાળક માટે વર્કિંગ વુમનની સાથે થેરાપિસ્ટ બન્યા છે. માતા વિભાબેને ઓટિઝમ પીડિત બાળકની માતા હોવું એ ક્ષણેક્ષણ મુશ્કેલીભર્યા જીવનનો અનુભવ કરાવનારી સ્થિતિ છે






એવો મત વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, નોર્મલ ડિલીવરીથી મારા બાળકનો જન્મ થયો હતો, બાળક તંદુરસ્ત હતું. શરૂઆતના બધા જ લક્ષણો સામાન્ય બાળક જેવા જ હતા. સવા વર્ષની ઉંમરે અતિશય તાવ આવ્યા પછી ધીરે ધીરે બાળકનું સામાજિક વર્તન જ બદલાઈ ગયું હતું. બોલચાલ, બાળસહજ ચંચળતા, દુગ્ધપાન, આઈકોન્ટેક્ટનો અભાવ નહિવત હતો. વિભાબેને પોતાના અનુભવ વર્ણવતા વધુમાં કહ્યું કે, સાગરની બિહેવીયર થેરાપી તાલીમ શરૂ કરી, જેની મદદથી ઘણું સારૂ પરિણામ મળ્યું. વર્કિંગ વુમન હોવાથી જોબની સાથે સાગરની ચિંતા રહેતી હોવા છંતા ભગવાને જે આપ્યું છે તેનો સ્વીકાર કરી તેની સ્થિતિમાં સુધાર આવે તે બાબતે જુદી જુદી થેરાપીઓ દ્વારા ટ્રેનિંગ શરૂ કરી. વિશ્વાસ ન આવે તેવું પરિણામ મળ્યું. થેરાપી પછી ઘણી બધી સામાજિક, દૈનિક ક્રિયાઓ જાતે કરતો થયો. સાગરમાં પરિવર્તન જોવા મળ્યું અને અમારો ઉત્સાહ પણ વધ્યો.





તેનામાં સોશિયલ ઈમોશન ડેવલપ થયા. માતા-પિતાએ ઓટિસ્ટ બાળકથી અંતર રાખવાને બદલે તેની સાથે બાળકની જેમ રહેવાથી વધુ સારૂ પરિણામ મળશે. ઓટિઝમ થવાના કારણો ઓટિઝમ ક્યાં કારણોથી થાય છે તે અંગે એક મત સાધી શકાતો નથી. કોઈ ચોક્કસ કારણથી ઓટિઝમ ઉદ્દભવે છે તેવું શોધાયું પણ નથી. એક માન્યતા છે કે, ગર્ભસ્થ શિશુના વિકાસમાં આનુવાંષિક કારણોથી આત્મકેન્દ્રિત સ્થિતિ એટલે કે ઓટિઝમ થાય છે. ગર્ભનો અપુરતો વિકાસ કે મગજમાં જરૂરી રસાયણોનું અલ્પ પ્રમાણ પણ ઓટિઝમ પાછળ કારણભૂત હોઈ શકે છે. ઓટિઝમથી પીડિત બાળકની કેળવણીમાં ધ્યાન રાખવામાં આવે તો ઘણા અંશે રાહત મળી શકે છે.






ઓટિઝમની સારવાર રિહેબિલિટેશન થેરાપી પ્રોગ્રામ જેમાં સેન્સરી ઇન્ટીગ્રેશન, કોગ્નેટીવ બિહેવીયર થેરાપી, અર્લી ઈન્ટરવેન્શન થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી દ્વારા તેની નકારાત્મક અસરોથી સુખદ પરિણામ મેળવી શકાય છે. કહેવાય છે કે, દુનિયામાં સૌંદર્યની જરાય કમી નથી, પણ સુંદરતા શોધવા માટે આંખોની અછત છે. દરેક બાળક પૃથ્વી પર એક ‘તેજસ્વી તારો’ છે. આવા સ્ટાર બાળકો એટલે કે ઓટીસ્ટ બાળકોને હુંફ, આલિંગન અને સંવેદના આપી રોશન કરીએ.'ઓટિઝમ' એ કોઈ બીમારી નથી, પણ ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application