Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Rain Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મોરબીના ટંકારા અને પંચમહાલના મોરવાહડફમાં વરસાદ નોંધાયો

  • August 27, 2024 

રાજ્યમાં ભારે વરસાદના લીધે તબાહીના દૃશ્યો સર્જાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં ગત 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ મોરબીના ટંકારા અને પંચમહાલના મોરવાહડફમાં નોંધાયો છે. અત્યાર સુધી 14 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. હવામાન વિભાગે આજે 27 ઓગસ્ટના રોજ રાજ્યના 28 જિલ્લામાં ભારે વરસાદના લીધે રેડ એલર્ટ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના અનેક શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, નવસારી, ખેડા, પંચમહાલ, મોરબી, અને કચ્છમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણા વિસ્તારો સંપર્ક વિહોણા બની ગયા છે. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ 142 મી.મી રાજકોટ શહેરમાં ખાબક્યો છે, જ્યારે રાજકોટના લોધિકામાં 125 મી.મી, કોટડા સંગાણીમાં 92 મી.મી, ચોટીલામાં 87 મી.મી, ખેડાના મહુધામાં 82 મી.મી, દ્વારકામાં 72 મી.મી, કલ્યાણપુરમાં 70 મી.મી, થાનગઢમાં અને વાંકાનેરમાં 66 મી.મી, જૂનાગઢના કેશોદમાં 61 મી.મી, ભાનવડમાં 59 મી.મી, વિસાવદર અને ખંભાળિયામાં 55 મી.મી, ચૂડા, ગોંડલ અને મેંદરડામાં 51 મી.મી વરસાદ ખાબક્યો છે.


જ્યારે 188 તાલુકામાં 50 મી.મી જેટલો વરસાદ નોંધાયો છે. ગત 24 કલાકમાં ગુજરાતના 14 તાલુકામાં અત્યાર સુધી 10 ઇંચ વધુ વરસાદ અને 100 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે અમદાવાદ, સુરત, વડોદરા, ડાંગ, દાહોદ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી, વલસાડ, બોટાદ, અમરેલી, આણંદ, ખેડા, મહીસાગર, નર્મદામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધી 99.66 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે, સૌથી વધુ વરસાદ કચ્છમાં 117 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108 ટકા, સૌરાષ્ટ્રમાં 102 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 99 ટકા અને ઉત્તર ગુજરાતમાં 80 ટકા વરસાદ ખાબક્યો છે.


તમને જણાવી દઈએ કે, વરસાદથી પ્રભાવિત જિલ્લામાં એનડીઆરડીની 13 ટીમો અને એસડીઆરએફની 22 ટીમો તૈનાત કરવામાં આવી છે. જે બચાવ અને રાહતકાર્યોમાં મદદ કરી રહી છે. રાજ્યમાં વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 46 જળાશયો-ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાતાં હાઇ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 23 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતાં એલર્ટ અપાયું છે. જ્યારે 30 ડેમ 25થી 50 ટકા વચ્ચે તેમજ 31 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,90,547 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 87 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,07,440 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 72.73 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ 207 જળાશયોમાં 78 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application