રાજ્યમાં દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 29 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે (24 ઑગસ્ટ) વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ અને સુરત, તાપી, નવસારી, નર્મદા, ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લામાં વહેલી સવારથી સાવત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેમાં ઉમરપાડામાં ધોધમાર વરસાદ પડતા સવારે આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ત્યારે અત્યાર સુધીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ધોધમાર વરસાદને નદી-નાળામાં છલકાયા છે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના મોટાભાગના વિસ્તરોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના વલસાડના ધરમપુરમાં 108 મિ.મી., ઉમરગાવમાં 91 મિ.મી., પારડીમાં 88 મિ.મી., તાપીના સોનગઢમાં 75 મિ.મી., વાલોડમાં 45 મિ.મી., વ્યારામાં 44 મિ.મી., નવસારીના ખેરગામમાં 62 મિ.મી., સુરતના ઓલપાડમાં 59 મિ.મી. વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે 25 ઓગસ્ટે વડોદરા અને ભરૂચ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આણંદ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડી, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500