રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ હવે સ્થિતિ કાબૂમાં આવી છે અને વરસાદી પાણી ઓસર્યા છે. ત્યાં તો ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી અમદવાદમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. જયારે સવારના 5 વાગ્યા એવો માહોલ હતો. વહેલી સવારથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જમાવટ કરતાં ધોધમાર વરસ્યો છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં મહીસાગરના વિરપુર તાલુકામાં 1.26, લુણાવાડા તાલુકામાં 3.74, ખાનપુર તાલુકામાં 1.57 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં 1.85 ઇંચ, મેઘરજ તાલુકામાં 1.73 ઇંચ વરસાદ ખાબક્યો છે.
જો રાજ્યની વાત કરવામાં આવે તો ગત 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ નડીયાદમાં નોંધાયો છે. જ્યારે સંતરામપુર, દાહોદ, ઝાલોદ, મહુધા, ખેડાના વસોમાં 3 ઇંચ અને લુણાવાડા, કડાણા અને ફતેપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાબરકાંઠા પંથકમાં વરસાદ ખાબકતાં નદીઓમાં નવા નીરનું આગમન થયું છે. તો બીજી તરફ રાજસ્થાન અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકતાં પણ સાબરકાંઠાની નદીઓમાં નવા નીર ઉમેરાયા છે. વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ ઓફિસે નિકળેતા લોકો અને વિદ્યાર્થીઓને થોડો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યો છે. અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લગભગ એક લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે અનેક જળાશયોના જળસ્તરમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશ અને ઓડિશામાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ રાજસ્થાન, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડના ભાગો અને ગંગાના પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થળોએ ભારે ધોધ સાથે વરસાદ થયો હતો. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડી સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તારીખ 30મી અને 31મી જુલાઈ દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં અત્યારસુધીમાં 12.40 ઈંચ સાથે સરેરાશ 38.60 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં નોંધાયેલો આ સૌથી ઓછો વરસાદ છે. વર્ષ 2023માં 28મી જુલાઇ સુધી 23.77 ઈંચ સાથે સરેરાશ 74.54 ટકા જ્યારે વર્ષ 2022માં 26.73 ઈંચ સાથે 85.33 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. જેની સરખામણીએ આ વર્ષે અડધોઅડધ ઓછો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 3 દિવસ હજુ માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે. અમદાવાદ જિલ્લામાં હજુ સુધી 9.35 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 35 ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાંથી આ વખતે 13.45 ઈંચ સાથે ધંધુકામાં સૌથી વધુ અને વિરમગામમાં 5.20 ઈંચ સાથે સૌથી ઓછો વરસાદ પડ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500