તાપી જિલ્લાની બોર્ડર નજીક આવેલ મહારાષ્ટ્રના બેડકી ગામ પાસેથી શાકભાજીની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થઈ રહેલ ટેમ્પોને નવાપુર પોલીસ અને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે વાહન સહિત રૂપિયા 18.36 લાખના દારૂના જથ્થા સાથે ઉધનાનાં 3 ઈસમો સહિત 7 આરોપીને ઝડપી પાડ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવાપુર પોલીસ અને તાપી એલ.સી.બી. પોલીસે જિલ્લાની બોર્ડર નજીકના બેડકી ગામ પાસેથી ગત તારીખ 1નાં રોજ મધ્ય રાત્રીના સમયે નાકાબંધી કરી હતી.
તે સમયે ટેમ્પોને રોકી તેની તલાસી લેતા તેમાં ટામેટાનાં કેરેટ અને અન્ય શાકભાજીની નીચે સંતાડેલ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે ચાલકને પૂછપરછ કરતા તેના સાથીદારે ધુલિયા જિલ્લામાં આવેલ સાંક્રી તાલુકાનાં કાળબીર ગામની સીમમાં આવેલ ખેતરમાંથી દારૂ ભરી સુરત તરફ સપ્લાય કરવા જણાવ્યું હતું જેથી પોલીસે બતાવેલ ખેતરમાં છાપો મારતા ત્યાં પણ એક બોલેરો પીકઅપમાંથી વિદેશી દારૂની પેટી મળી આવી હતી અને આમ પોલીસે 196 વિદેશી દારૂની પેટી અને બે ટેમ્પો મળી કુલ રૂપિયા 18,38,560/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ મહેન્દ્ર ઉર્ફે રાહુલ રાજેન્દ્ર મરાઠી (રહે.ઉધના), સાગર આબા ભદાને (રહે.સુરત), હરિસ ગોવિંદા દેવીકર (રહે.સુરત), મોહનેશ ઉર્ફે ગોકુળ પ્રભાકર ચિત્તે, યુવરાજ રાજેન્દ્ર જાદવ, રાકેશ તાનાજી ઠાકરે (ત્રણેય રહે.સાંક્રી) અને સચિન સુનિલ ન્યાહાળદે નાંઓની અટકાયત કરી હતી તથા આ દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કટાસવાણ પોલીસ ચોકી પાસે પહોંચે તે પહેલા નવાપુર પોલીસે ઝડપી પાડ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500