ગાંધીનગરના દહેગામમાં રહેતા યુવકે મિત્ર પાસે રૂ. 2.50 લાખ હાથ ઉછીના લીધા હતા અને અવેજીમાં અઢી લાખનો ચેક આપ્યો હતો, જે રિટર્ન થતા કેસ દહેગામની કોર્ટમાં ચાલ્યો હતો. આ મામલે કોર્ટે યુવકને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.
માહિતી મુજબ, દહેગામમાં રહેતા કાદર મેમણ પાસેથી તેમના મિત્ર અને તલોદનાં કિરણ પટેલે રૂ. 2.50 લાખ હાથ ઉછીના લીધા હતા. જોકે વાયદા પ્રમાણે નિયત સમયમાં કિરણભાઈ પૈસા પરત ન કરી શકતા કાદરભાઈએ ઉઘરાણી શરૂ કરી હતી. આથી કિરણભાઈએ કાદરભાઈને રૂ. 2.50 લાખનો ચેક આપ્યો હતો. જો કે, આ ચેક બેંકમાં જમા કરાવતાં ઓછા બેલેન્સના કારણે રિટર્ન થયો હતો. આથી કાદરભાઈએ કિરણભાઈ સામે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટની કલમ 138 હેઠળ દહેગામ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
એક વર્ષની સાદી કેદની સજા
કાદરભાઈની ફરિયાદ અંગે સુનાવણી કરતા કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી હતી અને ત્યાર બાદ કોર્ટે ચેક રિટર્નના કેસમાં કિરણભાઈને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. ઉપરાંત, જો ચેકની રકમ હુકમ સમય મર્યાદામાં ચૂકવવામાં ન આવે તો વધુ છ મહિનાની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500