Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટનાં TRP અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર સહિત ત્રણ ઈસમોનીની ધરપકડ કરી કાર્યવાહી કરાઈ

  • June 23, 2024 

રાજકોટના ટીઆરપી ગેમઝોન પ્રતિ ગુનાહિત લાપરવાહી દાખવતા લાગેલી આગમાં 27થી વધુ માનવજિંદગી ભડથું થઈ ગઈ હતી તે રાજ્યભરમાં હાહાકાર મચાવનાર સાપરાધ મનુષ્યવધના ગુનામાં આજે ઘટનાના 26 દિવસ બાદ રાજકોટ પોલીસની 'સિટ 'દ્વારા મહાપાલિકામાં આજ સુધી ફરજ બજાવતા રહેલા ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરની તેમજ તાજેતરમાં લાંચના ગુનામાં જેલહવાલે રહેલા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાની અને ગેમઝોનમાં જેના બેદરકારીભર્યા કામથી આગ લાગી તે વેલ્ડીંગ કામ રાખનાર અને આગના આરંભે દાઝી જનાર ગોંડલના મનોજ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે.તપાસ કરતા ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલ અને એ.સી.પી.ભરત બસિયાએ જણાવ્યું આરોપી ચીફ ફાયર ઓફિસર ઈલેશ વાલાભાઈ ખેર (ઉ.વ.45)ને આ ગેમઝોનમાં તા.4-9-2023ના આગ લાગી તેનાથી તે વાકેફ હતા.


ઉપરાંત ગેમઝોન ચાલુ કરવા માટે પોલીસ દ્વારા બૂકીંગ લાયસન્સ અપાયું તેની નકલ પણ આ અધિકારીને મોકલવામાં આવી હતી. આમ, તેઓ જાણતા હોવા છતાં ત્યાં સ્થળ તપાસ કરીને પગલા ન લીધા તેમજ ગેમઝોન ફાયર એન.ઓ.સી. કે ફાયર સેફ્ટી નહીં હોવા છતાં લાંબા સમયથી ચાલુ હોવાથી માહિતગાર હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરી નહીં. ઉલ્લેખનીય છે કે  ફાયર એન.ઓ.સી. અપાયું હોય ત્યાં ચેકીંગ કરવાની સાથે ફાયરબ્રિગેડે આવું એન.ઓ.સી.વગર ચાલતી બિલ્ડીંગોની પણ તપાસ કરીને પગલા લેવાના હોય છે. કારણ કે એન.ઓ.સી.આપવાની સત્તા ફાયર બ્રિગેડ પાસે છે. જ્યારે તત્કાલીન ડેપ્યુટી  ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાએ પણ પોતે આ સ્થળે અગાઉ આગ લાગી છે અને છતાં ગેમઝોન ચાલુ છે તે જાણતા હોવા છતાં કોઈ કાર્યવાહી કરી ન્હોતી. ઉલ્લેખનીય છે કે ડે.ચીફ ફાયર ઓફિસર બાબુભાઈ ઠેબાએ એન.ઓ.સી. માટે પૈસા માંગ્યાનો આક્ષેપ રાજકોટના સાંસદે પણ  કર્યો હતો.


એ.સી.બી.ની તપાસમાં તા.1-4-2012થી તા.31-3-2024 દરમિયાન ઠેબાએ હોદ્દાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટ રીતરસમોથી મિલ્કતો વસાવ્યાનું અને આવક કરતા રૂ।.79,94,153ની વધુ એટલે કે 67 ટકા વધુ સંપત્તિ હોવાનું ખુલતા લાંચના ગુનામાં તેની અગાઉ ધરપકડ કરાઈ હતી અને જેલહવાલે થયા હતા. આજે સિટની પોલીસે વોરંટથી બી.જે.ઠેબાનો જેલમાંથી કબજો લઈને અગ્નિકાંડમાં આરોપી તરીકે ધરપકડ  કરી છે. જયારે ધરપકડ થયેલ ત્રીજા આરોપી મહેશ અમૃતલાલ રાઠોડ (રહે મૂળ.ગોંડલ) ગેમઝોનના ભાગીદાર રાહુલના કાકા થતા હોય ત્યાં સ્નો પાર્ક માટે વેલ્ડીંગ કામ ચાલતું હતું તેનું સુપરવિઝન કરતો હતો. આ વેલ્ડીંગ કામમાં બેદરકારીથી તણખાં નીચે જ્વલનશીલ વસ્તુઓ પર પડતા તેનાથી આગ લાગી જે અત્યંત વિકરાળ બનીને સમગ્ર ગેમઝોનમાં પ્રસરી હતી.


આ ગુનાહિત બેદરકારી બદલ તેની આજે ધરપકડ કરાઈ છે. પોલીસે અગાઉ મહેશ રાઠોડનું નિવેદન લીધું હતું અને આ ઈસમ પણ શરુઆતની આગમાં દાઝી ગયો હતો. રાજકોટમાં તાલુકા પોલીસ મથકમાં ગત તા.25 મેના નોંધાયેલા આઈ.પી.સી.ક.304, 308, 337, 338, 36 તથા ક.465, 471, 474, 120(બી) હેઠળ સાપરાધ મનુષ્યવધ, સરકારી રેકર્ડ સાથે કાવત્રાપૂર્વક ચેડાં વગેરે  ગુના બદલ અગાઉ ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો,માલિકોમાં યુવરાજસિંહ સોલંકી સહિત પાંચ શખ્સોની અને એક શખ્સની ત્યારબાદ ધરપકડ કરી હતી જ્યારે મનપામાંથી ટી.પી.વિભાગના સાગઠીયા,મકવાણા,જોષી અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા એ ચારની ધરપકડ કરાઈ હતી. વધુ ત્રણ શખ્સો આ અગ્નિકાંડમાં પકડાયા છે જેમને આવતીકાલે રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application