વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓ સાથે તેમના વિચારો શેર કરી રહ્યા છે. ‘મન કી બાત’નો આ 102મો એપિસોડ છે. ઉલ્લેખનીય છે કે, ‘મન કી બાત’ દર મહિનાનાં છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે પણ આ વખતે 25 જૂને છેલ્લો રવિવાર છે અને તે દરમિયાન વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે હશે. એટલા માટે આ વખતે ‘મન કી બાત’ એક અઠવાડિયા વહેલા ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. તેમણે આ દરમિયાન વાવાઝોડાં સામે હિમ્મત બતાવનારા કચ્છના લોકોની પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 જૂને જ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, આ વખતે ‘મન કી બાત’ કાર્યક્રમ 18 જૂન, 2023નાં રોજ પ્રસારિત થશે. તેમણે આ કાર્યક્રમ માટે દેશના નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, તમારા સૂચનો મેળવીને હંમેશા આનંદ થાય છે. NaMo App અથવા MyGov પર તમારો અભિપ્રાય શેર કરો અથવા 1800-11-7800 ડાયલ કરીને તમારો સંદેશ રેકોર્ડ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું, તમે બધા જાણો છો કે, હું આવતા અઠવાડિયે અમેરિકામાં હોઈશ અને ત્યાંનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે, અને તેથી મેં વિચાર્યું કે જતા પહેલા મારે તમારી સાથે વાત કરવી જોઈએ, આનાથી સારું શું હોઈ શકે.
‘બિપોરજોય’ વાવાઝોડાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બે-ત્રણ દિવસ પહેલા આપણે જોયું કે દેશના પશ્ચિમ ભાગમાં કેટલું મોટું ચક્રવાત ત્રાટક્યું છે. જોરદાર પવન, ભારે વરસાદ. ચક્રવાત બિપરજોયે કચ્છમાં ભારે તબાહી મચાવી છે, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને સજ્જતા સાથે આવા ખતરનાક ચક્રવાતનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. તેમણે કહ્યું કે, એક સમયે, બે દાયકા પહેલા વિનાશક ભૂકંપ પછી કચ્છ ક્યારેય ફરી પગભર નહીં થઈ શકે તેમ કહેવાયું હતું. આજે એ જ જિલ્લો દેશના સૌથી ઝડપી વિકાસશીલ જિલ્લાઓમાંનો એક છે.
મને ખાતરી છે કે કચ્છના લોકો બિપરજોય ચક્રવાતના કારણે થયેલી તબાહીમાંથી ઝડપથી બહાર આવી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતે 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવાનો સંકલ્પ લીધો છે. પણ ટી.બી. મુક્ત ભારત બનાવવાનું લક્ષ્ય ચોક્કસપણે મોટું છે. એક સમય હતો જ્યારે ટી.બી.ની જાણ થયા પછી પરિવારના સભ્યો જ દૂર થઇ જતા હતા, પરંતુ આજનો સમય છે જ્યારે ટી.બી. દર્દીને પરિવારનો સભ્ય બનાવીને મદદ કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500