Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘોઘા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થતાં ખેડૂતોનો ઉભો પાક ખેતરમાં ઢળી પડ્યો

  • March 02, 2024 

આગામી 2 દિવસ ખેડૂતોને સતર્ક રહેવા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે સલાહ આપી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થવાની અંબાલાલની આગાહી છે. ભારે પવનના કારણે ઉભો પાક પડી જવાનો પણ ખતરો છે. ત્યારે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા કેરીના પાકમાં મોટા નુકશાનની ભીતિ દેખાઈ રહી છે. ખેડૂતોને કેરીના પાકમાં ઉત્પાદન કરવા માટે અંદાજે 30 હજારનો ખર્ચ થાય છે. હવે કેરીની સિઝનનો બહુ ઓછો સમય બાકી છે ત્યારે આવા સમયમાં પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે. વલસાડ જિલ્લામાં ઠંડી ઓછી પડવાના લીધે આંબાવાડીઓમાં ફ્લાવરીંગ ઓછું થયું હતુ.


હવે જો વધુ વરસાદ આવે તો આંબા ઉપર લાગેલા ફ્લાવરિંગ ખરી પડવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. સાથે આંબાઓ ઉપર ફ્લાવરિંગની જગ્યાએ નવી પીલોવણી આવવાથી કેરીનો પાક વધુ થશે નહીં સાથે ખેડૂતોને બજારમાં યોગ્ય ભાવ નહીં મળે. જેથી ખેડૂતોએ સરકાર પાસે વળતરની માગ કરી છે. ગુજરાતમાં માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.આવતીકાલે વડોદરા, છોટાઉદેપુર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં પણ આવતીકાલે વરસાદ વરસી શકે છે. એક પછી એક બે સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડશે. 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.


અમદાવાદના વાતાવરણમાં પણ કાલે પલટો આવશે. માવઠા અને વાદળછાયા વાતાવરણને પગલે ખેડૂતોને સાવચેતીના પગલા લેવાની સૂચના આપવામાં આવી છે. ભાવનગરના ખેડૂતોને ફરી એક માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ઘોઘા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે માવઠું થતાં ખેડૂતોનો ઉભો પાક ખેતરમાં ઢળી પડ્યો છે. પાકને નુકસાન થતાં ઘોઘા તાલુકાના બાડી, પડવા અને મોરચંદ સહિતના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. માવઠાને લીધે ઘઉં, ચણા અને જીરુ સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતાં ખેડૂતો ચિંતામાં આવી ગયા છે.


આંબામાં હાલ મોર આવવાની સિઝન છે એવા સંજોગોમાં માવઠાથી મોર ખરી પડ્યા છે. ત્યારે હવે ખેડૂતોની માગ છે કે સરકાર અમને સહાય આપે. માવઠાની આગાહીના પગલે રાજકોટ યાર્ડ સતર્ક થઈ ગયું છે. ખેડૂતો અને વેપારીઓને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. પોતાની જણસી ખુલ્લામાં ન રાખવા માટે અપીલ કરાઈ છે. ખેડૂતો અને વેપારીને જણસી પ્લેટફોર્મમાં રાખવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે આજે અને આવતીકાલે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સત્તાધીશો દ્વારા સવારે 5 થી 8 સુધી જ જણસની આવક ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. જેથી જણસ ડોમની બહાર ન રાખવી પડે, તો સાથે જ મરચાની આવક ટોકનથી કરવામાં આવી રહી છે જેથી યાર્ડમાં મરચાનો ભરાવો ન થાય.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application