ગોવામાં રહેવા માટે ઓનલાઇન હોટલનું બુકીંગ કરાવી નાણાં ગુમાવવાના કિસ્સામાં કોર્ટે સાયબર સેલ યુનિટને વધુ એક્ટિવ થવા માટે ટકોર કરી છે. કોર્ટે સંબંધિત ઓથોરિટીને તેમજ સાયબર સેલને તેઓનો હેલ્પ લાઇન નંબર બીઝીના આવે અને ફ્રોડનો ભોગ બનનારને ક્વિક રિસ્પોન્સ મળે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા ભલામણ કરી છે. વાઘોડિયા તાલુકામાં રહેતો પરિવાર ગોવા ફરવા જવાના હતા. તેઓ ત્રણ દિવસ ગોવામાં રોકાવાના હતા. તે માટે તેમણે ઓનલાઇન સર્ચ કરી ગોવા મુકામે આવેલી હોટલ નોવોટેલમાં કોલ કર્યો હતો અને 27 હજાર ઓન લાઇન ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ તેઓને શંકા જતા સાયબર સેલમાં ફરિયાદ કરતા સાયબર સેલ યુનિટે જે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા. તે ખાતાને ફ્રિઝ કરી દીધું હતું. તે રૂપિયા પરત લેવા માટે સાવલી સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી ન્યાયાધિશ જે.એ.ઠક્કરે મંજૂર કરી નોંધ્યું હતું કે, હાલના સમયમાં ઓનલાઇન ફ્રોડના કિસ્સા ઘણા વધી ગયા છે. કોઇ પણ વ્યક્તિના નાણાં આ રીતે જતા રહેવાથી ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. પરંતુ હાલના કિસ્સામાં ફરિયાદી બહેનની રકમ જે રીતે ફ્રિઝ થઇ શકી છે.
જો પ્રજા અને સાયબર સેલ આ રીતે એક્ટિવ હશે તો આ પ્રકારના ગુનાઓને ચોક્કસપણે અટકાવી શકાશે. ઓન લાઇન ટ્રાન્ઝેક્શન પર લોકોનો ભરોસો વધે તે માટે પણ આ બાબત જરૂરી છે. ફરિયાદીએ જ્યારે હેલ્પ લાઇન નંબર 1930 પર કોલ કર્યો ત્યારે તે સતત બીઝી આવતો હતો અને ત્યારબાદ તા.3જી એ સાયબર સેલ દ્વારા સામેથી કોલ આવતા કાર્યવાહી થઇ છે. ઘણા કિસ્સામાં વિલંબ થવાના કારણે પૈસા ફ્રીઝ થઇ શકતા નથી.
જ્યારે ઓનલાઇન ફ્રોડના બનાવો ખૂબ મોટી સંખ્યામાં વધી રહ્યા છે. તેવા સંજોગોમાં સાયબર સેલનો હેલ્પ લાઇન નંબર વ્યસ્ત આવે તે ચોક્કસ પણે યોગ્ય કહી શકાય નહીં. સાયબર સેલમાં ઇન્સીડન્ટ રિસ્પોન્સ યુનિટ બનાવવામાં આવેલ છે. જેથી, સ્વાભાવિક રીતે આ યુનિટનું કામ ક્વિક રિસ્પોન્સનું હોવું જોઇએ. જો સાયબર સેલનો ક્વિક રિસ્પોન્સ હશે તો આ જ પ્રકારના બનાવો અટકાવી શકાશે. તેમજ હેલ્પ લાઇન નંબર માટે જાગૃતિ ફેલાય તે માટે પૂરતા પ્રયત્ન કરવા અદાલત સંબંધિત ઓથોરિટીને ભલામણ કરે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500