રેટિંગ એજન્સી મૂડી'સ અને ફિચના ડાઉનગ્રેડ બાદ હવે સ્થાનિક એજન્સી SBI રિસર્ચે ઉત્પાદન પ્રવૃત્તિઓમાં નબળાઈ અને માર્જિનનાં વધતા જતા દબાણને કારણે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે દેશનાં વિકાસ દરમાં વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 5.8 ટકા કર્યું છે. SBI રિસર્ચ દ્વારા જારી કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, ચાલુ નાંણાકીય વર્ષનાં બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 5.8 ટકા રહી શકે છે, જે અગાઉનાં સરેરાશ અંદાજ કરતા 0.30 ટકા ઓછો છે. સરકાર દ્વારા જુલાઈ-સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરનાં GDPનાં આંકડા 30 નવેમ્બરનાં રોજ જાહેર થવાના છે. SBI રિસર્ચનાં વડા સૌમ્ય કાંતિ ઘોષની આગેવાની હેઠળની ટીમના જણાવ્યા અનુસાર, બેન્કિંગ અને નાંણાકીય ક્ષેત્ર સિવાયની કંપનીઓના કાર્યકારી નફામાં બીજા ક્વાર્ટરમાં 14 ટકાનો ઘટાડો થયો છે, જે એક વર્ષ અગાઉનાં સમાન ત્રિમાસિક ગાળામાં 35 ટકા વધ્યો હતો.
રિપોર્ટ અનુસાર આ ત્રિમાસિકગાળામાં આ કંપનીઓની આવકમાં વૃદ્ધિ દર સારો રહ્યો છે, પરંતુ તેમના નફામાં એક વર્ષ અગાઉની સરખામણીમાં લગભગ 23 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર સિવાયની લિસ્ટેડ કંપનીઓના માજન પર પણ દબાણ જોવા મળ્યું છે. ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે કંપનીઓનું ઓપરેટિંગ માર્જિન બીજા ક્વાર્ટરમાં ઘટીને 10.9 ટકા થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 17.7 ટકા હતું. SBI રિસર્ચ અનુસાર બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 5.8 ટકા રહી શકે છે, જે સરેરાશ બજાર અંદાજ (6.1 ટકા) કરતા ઘણો ઓછો છે.
આ સાથે ચાલુ નાંણાકીય વર્ષ માટેનો વાષક વૃદ્ધિ દર 6.8 ટકા રહી શકે છે, જે ભારતીય રિઝર્વ બેન્કનાં અગાઉના અંદાજ કરતાં 0.20 ટકા ઓછો છે. ઘોષે જણાવ્યું હતું કે, આ અંદાજ દર્શાવે છે કે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે આર્થિક ગતિવિધિમાં મંદી હતી પરંતુ ઓક્ટોબરમાં આર્થિક ગતિવિધિમાં સુધારા સાથે ત્રીજા ક્વાર્ટરમાં આંકડામાં સુધારો થવાની ધારણા છે. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક આંચકા, વધતી જતી ફુગાવો અને બાહ્ય માંગની અછત હોવા છતાં અનેક સૂચકાંકો ભારતીય અર્થવ્યવસ્થામાં આંચકો સહન કરીને ટકી રહેવાની લડાયકતા દર્શાવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500