નવસારીના વિજલપોરમાં આરો પ્લાન્ટ ચલાવતા બે સંચાલકો વચ્ચે ધંધાકીય હરીફાઈની ચાલતી બબાલમાં સામસામે ઘાતક હથીયારો સાથે હુમલો કરતા ૩થી વધુને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. બનાવ અંગે બંને પક્ષોએ વિજલપોર પોલીસ મથકે સામ સામે ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અરવિંદ રામબાબુસિંગ ભદોરીયા (ઉ.વ.૨૫ રહે.રામનગર સોસાયટી વિભાગ-૨, વિજલપોર) આરો પ્લાન્ટ ધરાવે છે અને પાણીની બોટલો શહેરમાં દુકાનો, ઓફિસો અને મકાનોમાં સપ્લાય કરે છે. તેમની સોસાયટીમાં રહેતા સાગર બાબુસિંગ ભદોરીયા પણ આરો પ્લાન્ટ ચલાવી પાણીની બોટલો વેચાણ કરે છે.
એક જ સોસાયટીમાં રહેતા અને કુટુંબીક સંબંધો ધરાવતા અરવિંદ અને સાગર વચ્ચે છેલ્લા કેટલાક સમય થી ધંધાકીય હરીફાઈનાં કારણે વિવાદ ચાલતો રહ્યો છે. તારીખ ૧લી ઓગષ્ટનાં રોજ સવારે સાડા આંઠ વાગ્યાનાં અરસામાં વિજલપોર વિઠ્ઠલમંદિર પાસેની સૂરભિ સોસાયટી નજીક અરવિંદના ભાઈ નિકુલ સાથે સાગર અને શિન ભદોરીયાનો પાણીના વેચાણ બાબતે ઝઘડો થયો હતો. જેને લઈને સાગર અને શનિએ નિકુલને માથામાં લાકડાના ફટકા મારી ઈજા પહોંચાડી હતી. જ્યારે સામા પક્ષે સાગર ભદોરીયાએ નોંધાવેલી ફરિયાદમાં ધંધાકીય હરીફાઈમાં તેના અને સાથી કર્મચારી શૈલેન્દ્ર ઉપર અરવિંદ ભદોરીયા, નિકુલ ભદોરીયા અને અનુપ ભદોરિયાએ તિક્ષણ હથીયારથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે વિજલપોર પોલીસે સામસામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500