વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પુર આવતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પાણી ભરાયા હતા. હાલ પાણી ઓસરી જતા ખાબોચિયા, કચરો, સડેલુ અનાજ, ગંદા પાણીનો ભરાવો, પીવાનાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ વગેરે કારણોસર વાહકજન્ય રોગો, પાણીજન્ય રોગો થવાની શક્યતા વધી જાય છે. બીજી તરફ ચોમાસામાં વાહકજન્ય રોગો, પાણીજન્ય રોગો, લેપ્ટોસ્પાયરોચીસ જેવા રોગો થવાની સંભાવના પણ ખુબ જ મોટા પ્રમાણમાં હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ આરોગ્ય શિક્ષણની સાથે દવાઓ પણ આપવામાં આવી રહી છે. આ સાથે પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી રહી છે.
પાણીના ભરાવાનાં કારણે મચ્છર ઉત્પતિ સ્થાનોનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ વધવાથી ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોનું પ્રમાણ વધી શકે છે. જેના માટે મચ્છર ઉત્પતિનાં સંભવિત તમામ (ઘરોની અંદર અને બહાર), બાંધકામ વાળી જગ્યાઓ, પાણીનાં ભરાવા વાળી જગ્યા વગેરે સ્થળોની તપાસ કરી આરોગ્ય ખાતા દ્વારા પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. ડેન્ગ્યુ અને મેલેરિયા મચ્છરથી ફેલાતા હોવાથી મચ્છરની ઉત્પતિ અટકાવવા માટેનાં ઉપાયો અંગે ઘરે-ઘરે જઈ આરોગ્ય કર્મચારીઓ તથા આશા બહેનો દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગંદા પાણીનો ભરાવો, પીવાનાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ વગેરે કારણોસર પીવાલાયક પાણી દુષિત થતા પાણીજન્ય રોગો જેવા કે ઝાડા-ઉલ્ટી, મરડો, કમળો, કોલેરા, ટાઈફોઈડ જેવા રોગો થવાની સંભાવના છે. જેનાથી બચવા માટે પાણી ઉકાળીને પીવુ ખૂબ જ આવશ્યક છે. ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ તથા આશા બહેનો દ્વારા પાણી શુધ્ધ કરવા માટે આપવામાં આવતી કલોરિન ટેબલેટ, ઝાડા કે ઝાડા-ઉલ્ટી સમયે આપવામાં આવતા ઓ.આર.એસનાં દ્રાવણનો ઉપયોગ કરી તથા ગ્રામ્ય કક્ષાએ કુવા, ટાંકીનું ક્લોરિનેશન કરેલું શુધ્ધ પાણી પીવાનો આગ્રહ રાખવો.
ચોમાસાની ઋતુમાં પશુપાલન તથા ખેતીની કામગીરી સાથે સંકળાયેલા લોકોમાં લેપ્ટોસ્પાયરોસીસ રોગ જોવા મળે છે. જેના બચવા માટે ગમબુટ, ગ્લોવ્સનો ઉપયોગ કરવો, કામ કર્યા બાદ ગરમ પાણીથી યોગ્ય રીતે હાથપગ ધોવા જોઇએ. જિલ્લાનાં તમામ ગામોમાં લેપ્ટોસ્પાયરોસીસનાં બચાવ માટે કિમોપ્રોફાઇલેક્સીસ તરીકે લાયક વ્યક્તિઓને ડોક્ષીસાયક્લીન દવાનું વિતરણ કરાઈ રહ્યુ છે.વાહકજન્ય રોગો, પાણીજન્ય રોગો અને લેપ્ટોસ્પાયરોસીસથી બચાવના જરૂરી તમામ પ્રયાસો આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે, બીમારીનાં કિસ્સામાં સારવાર કરાવવામાં વિલંબ ન કરવો તથા વધુ માહિતી માટે જાહેર જનતાને આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો તથા નજીકનાં પ્રા.આ કેન્દ્રનો સંપર્ક સાધવા વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500