રાજ્યના કૃષિ રાજય મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું છે કે, તાત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાગાયતી પાકોની ગુણવત્તા જળવાઈ રહે અને બાગાયતી પાકોની નિકાસ થાય એ માટે રાજ્યમાં રાયપનીંગ એકમો ઉભા કરવા આર્થિક સહાય આપવાનો નિર્ણય કરી આ યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ વલસાડ જિલ્લામાં છેલ્લા વર્ષમાં રાયપનીંગ એકમ સ્થાપવા માટે રૂ.૪૭.૦૯ લાખની સહાય ચુકવાઈ છે. વિધાનસભા ખાતે વલસાડ જિલ્લામાં રાયપનીંગ એકમ સહાય અંગેના પ્રશ્નોના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રી ઉમેર્યું કે, આવા એકમો સ્થાપવા માટે આ યોજના હેઠળ વ્યક્તિગત લાભાર્થી, એ.પી. એમ.સી.,સહકારી ખેડૂત સંસ્થા, જાહેર સાહસો,નગરપાલિકા કે રજીસ્ટર્ડ ખેડૂત ઉત્પાદન સંગઠનને નાણાકીય સહાય આપવામાં આવે છે.
આવા એકમ સ્થાપવા માટે સહાયના ધોરણો અંગેના પૂરક પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ કહ્યું કે, વ્યક્તિગત લાભાર્થીઓને સહાય આપવા સામાન્ય વિસ્તારમાં પ્રતિ ૫૦,હજાર ટન મહત્તમ ૩૦૦ ટનની મર્યાદામાં રૂપિયા ૧૫૦ લાખ, આદિજાતિ વિસ્તારમાં પ્રતિ ૬૫ હજાર ટન મહત્તમ ૩૦૦ ટનની મર્યાદામાં રૂ ૧૯૫ લાખની સહાય એ જ રીતે એ.પી.એમ.સી., સહકારી ખેડૂત સંસ્થા, જાહેર સાહસો, નગરપાલિકાઓ રજીસ્ટર્ડ ખેડૂત ઉત્પાદક સંગઠન અંતર્ગત સામાન્ય વિસ્તારમાં પ્રતિ ૬૦ હજાર ટનની મર્યાદામાં ૩૦૦ ટન સુધી રૂ. ૧૮૦ લાખ અને આદિજાતિ વિસ્તારમાં ૭૫ હજાર પ્રતિટન. મહત્તમ સુધી ૩૦૦ ટનની મર્યાદામાં રૂ. ૨૨૫ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવાય છે.
તેમણે ઉમેર્યું કે, બાગાયતી પાકો જેવા કે પપૈયા, કેળા, કેરીને ઝાડ ઉપરથી ઉતાર્યા બાદ વૈજ્ઞાનિક રીતે પકવવા માટે રાયપનીંગ ચેમ્બર ઉભા કરવામાં આવે છે. જેના પરિણામે ફળનો રંગ અને સ્વાદ જળવાઈ રહે છે અને સમયસર પાકવાની લીધે ગુણવત્તા યુક્ત ફળો પાકે છે જેના કારણે સારા ભાવો મળે છે અને ખેડૂતોને સારો ફાયદો થાય છે. આ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ I-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં પ્રોજેક્ટ રિપોર્ટ બેંકની વિસ્તૃત વિગતો સાથે અરજી કરવાની હોય છે. જિલ્લા કક્ષાએ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા ચકાસણી કરીને જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા રાજ્ય કક્ષાએ ભલામણ કરવાની હોય છે અને રાજ્ય કક્ષાએથી યોગ્ય ચકાસણી બાદ ખેડૂતને D.B.T. દ્વારા સહાય એમના ખાતામાં જમા કરાવાય છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500