તાજેતરમાં અતિવૃષ્ટિના સમયે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં આઠથી દસ ફૂટ જેટલા પાણી ભરાઈ જતા લોકોની હાલત દયનીય બની છે. ત્યારે વલસાડ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તેઓના વ્હારે આવી છે અને હાઈજીન કીટ, કિચન કીટ, પાણીની ડોલ અને તાડપત્રીનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી.
પુરના કારણે નીચાણવાળા વિસ્તારના રહીશોને સલામત જગ્યાએ સ્થળાંતર કરવું પડ્યું હતું, એવા સમયે આ લોકોને સામાન્ય હાઈજિન ખૂબ જરૂરી છે. જેથી વલસાડના ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીએ તા.12 જુલાઈના રોજ વલસાડ પારડીના બરૂડીયાવાડ અને કાશ્મીર નગર તા. 13 જુલાઈના રોજ મોગરાવાડીના છત્તરીયા, નવી નગરી, ભઠ્ઠા ફળિયા,દસ છાપરી અને માણેક ટેકરી અને હનુમાન ભાગડાગામની નવી નગરીમાં સાબુ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, કપડાં ધોવાનો સાબુ, નાહવાનો સાબુ તથા વાળમાં નાખવાનું તેલ, દાઢી કરવા માટેના રેઝર ઉપરાંત સેનેટરી પેડ વગેરે વસ્તુઓની 280 કીટનું જરૂરિયાતમંદ કુટુંબોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જેના ઘરની દિવાલ તૂટી ગઈ હોય, વાસણ તણાઈ ગયા હોય એવા કુટુંબોને કિચન કીટ કે જેમાં ચાર થાળી, ગ્લાસ, કટોરી, તપેલું, ચપ્પુ, ચમચા, નાની ચમચી વગેરેનો સમાવેશ થાય છે તથા પાણીની ડોલ તેમજ તાડપત્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.આ કામગીરી ગુજરાત રાજ્યના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલ તથા વલસાડ જિલ્લાના પ્રમુખ તેમજ વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે તેમજ વલસાડ જિલ્લા રેડક્રોસના ચેરમેન ભદ્રેશભાઈ ગાંધીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500