વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમ હોલ ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજિવીકા મિશન અંતર્ગત સખી મંડળો માટે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા યોજાયેલા કેશ ક્રેડિટ કેમ્પમાં પ્રમાણપત્રો અને ચેકોનું વિતરણ કરાયું હતું.
આ કેમ્પમાં ૧૨ સખી મંડળોને રૂ. ૨૫.૮૫ લાખનાં, ચાર સખી સંઘોને રૂ. ૩૨ લાખના, પાંચ સ્વ સહાય જૂથોને રૂ.૧.૫ લાખના ચેકો અને યોજનામાં સહભાગી થઈ લોકોને મદદરૂપ થવા બદલ બેંક સખી, બેંક્ના બ્રાંચ મેનેજર, તાલુકાની ટીમ અને ક્લસ્ટર કો-ઓર્ડિનેટરોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
લોન લેવાનું સાહસ કરીને સખી મંડળોએ નાના મોટા વેપાર ધંધા શરૂ કરવા, ઊંચા સ્વપ્નો રાખી મહેનતથી આગળ વધો દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટીય ગ્રામીણ આજિવિકા મિશન દ્વારા સરકારી લોન તો અપાશે જ એમ કહેતા આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, “બહેનોમાં અમુલ્ય શક્તિ છે, પ્રામાણિકતા અને સંપ છે. સ્ત્રી સશક્તિકરણ માટે સરકારે સખી મંડળો અને સ્વસહાય જૂથોની રચના કરી છે જે દેશ અને રાજ્યના ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓને ભેગા કરી સરકાર રૂ.૫૦,૦૦૦ થી રૂ. ૨૦ લાખ સુધીની વગર વ્યાજની લોન આપી કરી રોજગારી આપવાને તકો પુરી પાડે છે.
તેથી હિંમત કરી લોન લઈ ધંધા વેપારની શરૂઆત કરો અને મહેનત કરી આગળ વધો. નવા જમાના પ્રામાણે પ્રોડક્ટોનું ઉત્પાદન કરો, વેચાણ અને વેપારના વિકાસ માટે માર્કેટિંગ પર ખાસ ધ્યાન આપો. આજે માત્ર ગુજરાતમાં જ ૨.૫ લાખથી વધુ સખી મંડળો છે જે મહિલાઓને રોજગારી આપે છે. રોજગારીથી ગરીબનું જીવન ધોરણ બદલાય અને મુખ્ય ધારામાં આવે એવો સરકારનો સતત પ્રયત્ન છે.”
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખએ તમામ સખી મંડળો અને એમના મહિલા સંચાલકોને સ્ત્રી સશક્તિકરણમાં હિસ્સેદાર બનવા બદલ ધન્યવાદ આપ્યા હતા અને સતત પ્રગતિ કરવાની શુભેચ્છા પાઠવી હતી. વલસાડ ધારાસભ્યએ દરેક લભાર્થીઓ, બેંક સખીઓ અને બેંક મનેજરોને આ યોજના સાથે જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જરૂરિયાતમંદ લોકોને યોજનાનો લાભ લેવા પ્રેરિત કરવા કહ્યું હતું.
ઊમરગામનાં ધારાસભ્યએ લાભાર્થીઓને શુભેચ્છા આપી કહ્યું હતુ કે, “રોજગારી ગ્રામીણ ક્ષેત્રે પહોંચે અને ત્યાં લોકોને રોજગારી મળતી થાય તો ગામ મજબૂત બનશે અને રાજ્ય તથા દેશનો વિકાસ ઝડપી થશે.’’ આ કાર્યક્રમ દરમિયાન બેંક સખી ચેતનાબેન પટેલે એમની સાફલ્ય ગાથા કહેતા જણાવ્યું હતુ કે, તેઓ અત્યાર સુધી ૪૦ જેટલા સખી મંડળોને આ યોજનાઓ હેઠળ લોન અપાવી ચુક્યા છે અને તેના દ્વારા આજે સેંકડો મહિલાઓ રોજગારી મેળવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500