વડોદરામાં ગતરોજ રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન મોડી રાત્રે તાડના ઝાડ પર વીજળી પડતા ઝાડ ભડકે બળ્યું હતું. વડોદરા પાસે આવેલા નંદેસરી ગામમાં આવેલ મધુવન સોસાયટીનાં બાજુમાં આવેલા તાડનાં ઝાડ ઉપર વીજળી પડતા સૌ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. તાડના ઝાડ ઉપર અચાનક વીજળી પડતા તાડનું ઝાડ ભડકે બળ્યું હતું. સમગ્ર વીજળી પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, વડોદરામાં વાદળછાયા વાતાવરણ બાદ ગતરોજ મોડી રાત્રે ગાજવીજ અને પવનનાં સુસવાટા સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો, હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઇ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. બરાનપુરા ભાટવાડા નેશનલ બેકરીની સામે બંધ મકાન ધરાશાયી થઈ ગયું હતું. એલ એન્ડ ટી સર્કલથી આગળ અર્થ યુરોપિયા સાઈડ પાસે મેઇન રોડ પર ઝાડ પડ્યું હતું. આ ઉપરાંત ફતેગંજ ઈ એમ ઈ સર્કલ પાસે સ્ટ્રીટ લાઈટના વાયર પર ઝાડ પડ્યું હતુ.
વડોદરા શહેરમાં મોડી રાત્રે વરસેલા વરસાદને પગલે શહેરમાં ફરવા નીકળેલા તેમજ નોકરી ધંધાએ નીકળેલા લોકો અટવાઇ પડ્યા હતા. શહેરનાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ રહ્યો હતો. ગાજવીજ સાથે પડેલા વરસાદને પગલે વડોદરા શહેરનો માહોલ અષાઢ જેવો બની ગયો હતો. કમોસમી વરસેલા વરસાદને પગલે ખેડૂતો ચિંતાતુર બની ગયા હતા.
વડોદરા શહેરની સાથે વડોદરા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળ્યા હતા. કેટલાક ઠેકાણે વીજળી પડી હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થયા હતા. જો કે, કોઈ જાનહાનીનાં સમાચાર મળ્યા નથી. કમોસમી વરસેલા વરસાદને પગલે ખેડૂતો ચિંતાતુર બની ગયા હતા. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે ત્રણ દિવસ સુધી માવઠું થાય તેવી આગાહી કરવામાં આવેલી છે.
જોકે 10 દિવસ પહેલા સુરતનાં અમરોલીના કોસાડ ગામ ખાતે તાડના ઝાડ પર વીજળી પડવાની ઘટના બની હતી તેમજ ઝાડ પર વીજળી પડતાં તાડનું ઝાડ ઊભેઊભું ભડ ભડ સળગી ઊઠ્યું હતું. એને લઇ સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું સાથે ડરના માર્યા ઘરની બહાર લોકો આવી ગયા હતા. ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરાતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500