ગણેશોત્સવમાં ગણેશ ભક્તો ઘરે ઘરે, સોસાયટીમાં, મહોલ્લામાં વિઘ્નહર્તાની મૂર્તિનું સ્થાપન કરતા હોય છે.ત્યારબાદ પૂજા-અર્ચના કર્યા બાદ એક, ત્રણ, પાંચ, સાત, નવ કે અગિયાર દિવસ બાદ ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.ત્યારે સોનગઢ-વ્યારા સહિત જિલ્લાભરમાં અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની પ્રતિમાઓ સાથે વ્યારા અને સોનગઢ સહિત જિલ્લાના વિવિધ રાજમાર્ગો પર અબીલ-ગુલાલની છોળો વચ્ચે ગણપતિ બાપા મોરિયા.. અગલે બરસ તું જલ્દી આના..ના ગગનભેદી નારા સાથે વિસર્જન યાત્રા નીકળી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.અનંત ચતુર્દશીના દિવસે સવારથી સોનગઢ અને વ્યારા સહિત જિલ્લાભરમાં ગણેશજીની મૂર્તિઓનું ઉત્સાહ અને ભાવભેર સાથે જુદાજુદા વિસ્તારોમાં કુત્રિમ તળાવો તેમજ કોતરો,નદીઓમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગણેશ મહોત્સવના પ્રારંભે જેટલા ઠાઠમાઠથી વાજતે ગાજતે ઢોલ નગારા અને રાસ ગરબાની રમઝટ સાથે દુદાળાદેવની સ્થાપના કરવામાં આવી હતી. દસ દિવસ સુધી ભારે ધામધૂમ અને શ્રદ્ધા સાથે પાર્વતી પુત્ર દુંદાળાદેવ ગણેશની પૂજા-અર્ચના કર્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે એટલા જ જોષ,ઉત્સાહ અને ભાવભેર શ્રીજીની પ્રતિમાનું રાત્રી સુધીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વ્યારા અને સોનગઢ વિસ્તારમાં પાલિકાતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ કુત્રિમ તળાવોમાં જ વિસર્જન કરવામાં કરવામાં આવ્યું હતું.સોનગઢ,વ્યારા,વાલોડ,ઉચ્છલ,નિઝર,ડોલવણ,કુકરમુંડા સહિતના વિસ્તારોમાં જુદાજુદા ગણેશ મંડળો દ્વારા ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન માટેની સવારથીજ ઉત્સાહભેર તમામ તૈયારીઓ કરી ડીજેના તાલ સાથે રાત્રી સુધીમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કાર્ય હાથ ધરાયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500