Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ગર્ભાધાનથી માંડીને અંત્યેષ્ઠી સુધી નાગરિકોને મળી રહી છે વિવિધ સુવિધાઓ

  • August 09, 2023 

કોઇ પણ સમાજના વિકાસનો માપદંડ નાગરિકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ પર નિર્ભર છે. ગુજરાત સરકારે બાળકના ગર્ભાધાનથી માંડીને વૃદ્ધાવસ્થા, અને તેથીયે આગળ વધીને અંત્યેષ્ઠી સુધી લોકોને વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે, અનેકવિધ યોજનાઓનો અસરકારક અમલ કર્યો છે. વાત આરોગ્ય વિષયક યોજનાઓની કરીએ તો ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આજે સરકારી દવાખાના, આંગણવાડીઓ, પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો જેવી માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે. માતા અને બાળકોના પોષણ માટે, તેમના સ્વાસ્થ્ય સંદર્ભે અનેક યોજનાઓનો અમલ થઈ રહ્યો છે. પ્રત્યેક નાગરિકને તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ થાય તેવી રીતે યોજનાઓ ઘડીને તેનું સુચારુ અમલીકરણ થતા ગુજરાતની આરોગ્ય સેવાઓની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઇ રહી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત સરકારે ગરીબો, પીડિતો, શોષિતો, ગામડાના લોકો અને રાજ્યના જન જનની સુખાકારી માટે અનેક આરોગ્યલક્ષી નિર્ણયો લીધા છે.



જ્યાં દવાખાના ન હતા ત્યાં દવાખાના શરૂ કર્યા. જ્યાં દવા ન હતી ત્યાં દવા પહોંચાડી. જ્યાં આરોગ્યલક્ષી સાધનો ન હતા ત્યાં સાધનો પહોંચાડ્યા. દવા, ડોક્ટર, સેવા, શુશ્રુષા બધું જ, અને તેના પગલે ગુજરાતમાં સર્જાઇ છે એક આરોગ્ય સુવિધાની સેવાસભર શ્રૃંખલા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ‘ટોકન નહીં, પરંતુ ટોટલ વિકાસ'ની વિચારધારાને આગળ ધપાવતા દેશમાં આરોગ્ય માળખાને કેટલાક લોકો અને વિસ્તાર પૂરતા સીમિત ન રાખી સર્વગ્રાહી બનાવ્યો છે. ગુજરાત નિરામય બને, શ્રેષ્ઠ સારવારની સુવિધાઓ નાગરિકોને મળે, અને તેઓ નિરોગી બને તે માટે ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લા તંત્ર પ્રતિબદ્ધ છે. તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગ હસ્તકની વિવિધ યોજનાઓના માધ્યમ થકી મળતી આરોગ્ય લક્ષી સુવિધાઓથી આદિવાસી જનસમાજમા આવેલ આરોગ્ય વર્ધક સુધારાઓ તરફ એક નજર કરીએ: તાપી જિલ્લામાં લક્ષિત ૪,૬૨,૨૮૬ લાભાર્થીઓ પૈકી ૩,૭૫,૦૮૦ (૮૧.૧૩%) લાભાર્થીઓએ ગોલ્ડન કાર્ડ મેળવી, અત્યાર સુધીમાં ૬૭૨૬ લાભાર્થીઓ ૮,૭૭,૧૭,૨૩૦/- રૂપિયા સુધીની કેશલેસ સારવાર મેળવી ચુક્યા છે.



તાપી જિલ્લાની જનરલ હોસ્પિટલ-વ્યારા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત રાજ્યમાં મહત્તમ ક્લેઈમ કરતી સરકારી સંસ્થા બની ગઇ છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા બહેનોને પ્રથમ પ્રસુતિ માટે પોષણ અર્થે રૂ.૫૦૦૦/-ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ વર્ષઃ૨૦૨૨-૨૩ દરમ્યાન કુલ-૮૨૩૬ સગર્ભા બહેનોને રૂ.૧,૩૦,૮૬,૦૦૦/- ની સહાય ડી.બી.ટી. મારફત ચુકવવામાં આવી છે. કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળની સગર્ભા બહેનોને પોષણ અર્થે રૂ.૬૦૦૦/- ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન કુલ-૫૦૭૯ સગર્ભા બહેનોને રૂ.૧,૦૧,૫૮,૦૦૦/-ની સહાય ડી.બી.ટી. મારફત ચુકવવામાં આવી છે. જનની સુરક્ષા યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળની સગર્ભા બહેન તથા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિની સગર્ભા બહેનોને ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૭૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ.૬૦૦/-ની સહાય ચુકવવામાં આવે છે.



જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન કુલ-૬૫૫૮ સગર્ભા બહેનોને રૂ.૪૫,૬૭,૫૦૦/- ની સહાય ડી.બી.ટી. મારફત ચુકવવામાં આવેલ છે. સંસ્થાકીય પ્રસુતિ હેઠળ વર્ષ-૨૦૨૨-૨૩માં તાપી જિલ્લામાં ૯૯.૯૫ ટકા સંસ્થાકીય પ્રસુતિ નોંધાયેલી છે. તાપી જિલ્લાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-બોરદા દ્વારા વર્ષઃ૨૦૨૨-૨૩ માં ૧૧૧ પ્રસુતિ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાવવામાં આવી છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંસ્થા ખાતે પ્રસુતિ કરાવવામાં જિલ્લામાં પ્રથમ બન્યુ છે. ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત વર્ષ-૨૦૨૨-૨૩ દરમ્યાન ટી.બી.ના દર્દીના નવા કેસોમાં ૨૦ ટકાનો નોંધનીય ઘટાડો થયેલો છે. જે બાબતે તાપી જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાનો બ્રોન્ઝ મેડલ મળવા પામ્યો છે. પ્રધાનમંત્રી નિક્ષય પોષણ મિત્ર યોજના અંતર્ગત તાપી જિલ્લાના પદાધિકારીઓ/ આગેવાન/બિનસરકારી સંસ્થાઓના સહયોગથી ૫૯૭ જેટલાં દર્દીઓ માટે ૩૩ નિક્ષય મિત્ર નક્કી કરવામાં આવ્યા છે જેમના દ્વારા ટી.બી.ના દર્દીઓની સારવાર, સહાય થવામાં મદદરૂપ થાય છે.



આ ઉપરાંત તાપી જિલ્લાને એન.ક્યુ.એસ. સર્ટિફાઈડ સંસ્થા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માયપુર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બુહારીને નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત માન્યતા પ્રાપ્ત થયેલી છે. તાપી જિલ્લામાં કુલ ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંપાવાડી, માયપુર, બુહારી એન.ક્યુ.એસ. સર્ટિફાઈડ સંસ્થા બની છે. રાજ્ય સરકારનું ધ્યાન માત્ર સ્વાસ્થ્ય પર જ નથી, પરંતુ સુખાકારી પર પણ છે. ત્યારે તાપી જિલ્લા આરોગ્ય તંત્ર બખુબી આ ધ્યેયને પ્રાપ્ત કરી જનસામાન્યના આરોગ્યની દરકાર કરી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application