Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લો કરી લ્યો વાત....સુરત શહેરમાં પોલીસનો પુત્ર જ વ્યાજના ચુંગલમાં ફસાયો, 20 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે વ્યાજનું વ્યાજ ગણી 43 લાખ માંગ્યા

  • January 14, 2023 

સુરત શહેરમાં પોલીસનો પુત્ર જ વ્યાજના ચુંગલમાં ફસાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં વ્યાજખોર પાસેથી તેણે અઢી લાખ રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા અને તેના બદલામાં 20 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે વ્યાજનું વ્યાજ ગણી 43 લાખનો હિસાબ આપ્યો હતો. આખરે વ્યાજખોરના ત્રાસના કારણે પોલીસ પુત્રએ ડીસીબી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વ્યાજખોરની ધરપકડ કરી હતી.



મળતી માહિતી મુજબ સુરતના મોરા ભાગળ વિસ્તારમાં રહેતા પોલીસ પુત્ર કેનીલ ચૌહાણ જહાંગીરપુરા વિસ્તારમાં કાર એસેસરીઝની ભાડેથી દુકાન ચલાવતો હતો. તેની દુકાને ઓલપાડ ખાતે રહેતો જનક વનાભાઈ ચુડાસમા અવાર નવાર તેની ગાડીના કામકાજ માટે આવતો હતો જેથી તેની સાથે ઓળખાણ થઇ હતી.




દરમિયાન જનકે પોતે વ્યાજે રૂપિયા આપતો હોવાનું અને ફોર વ્હીલ ટુવ્હીલર ગાડીઓ પણ ગીરવે લઈને વ્યાજથી રૂપિયા આપતો હોવાનું જણાવ્યું હતું. જેથી કેનીલને દુકાનની એસેસરીઝના માલ ખરીદવા માટે રૂપિયાની જરૂર પડતા તેની જનક પાસેથી અઢી લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. બાદમાં જનકે તેની કાર ઓળખાણથી કોઈ કંપનીમાં ભાડાથી લગાવી આપવા માટે આપી હતી. ગાડી ભાડે ન જતા કેનીલે તે ગાડી પરત લઇ જવા પણ જણાવ્યું હતું પરંતુ જનક તે ગાડી લઇ ગયો ન હતો અને ગાડીના ભાડાના મહીને 30 હજાર તેમજ વ્યાજે આપેલા રૂપિયાના મહીને 25 હજાર મળી કુલ 55 હજાર રૂપિયા મહીને આપવાનું જણાવ્યું હતું.




દરમિયાન કેનીલે બે મહિના સુધી તેને 55 હજાર રૂપિયા ચૂકવ્યા હતા પરંતુ દુકાન બરોબર ચાલતી ન હોય કેનીલ બે ત્રણ મહિના સુધી 55 હજાર લેખે હપ્તો આપી શક્યો ન હતો. જેથી જનક ચુડાસમાએ તેની પાસે 5 લાખ રૂપિયા વ્યાજ સહીત માગતો હતો. એટલું જ નહીં કેનીલની દુકાને ગ્રાહકની રીપેર માટે આવેલી ગાડી જિલ્લા પંચાયત ઓફિસમાં કોન્ટ્રાક્ટ પર ચાલતી હોવાની જાણ જનકને થતા તે ગાડી વ્યાજના બદલમાં માંગી હતી અને તેનું ભાડું પણ તેને આપી દેવા ધમકીઓ આપી હતી. કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા જનકે તે બે ગાડીઓનું 60 હજાર ભાડું અને વ્યાજે આપેલા રૂપિયાનું વ્યાજ 55 હજાર માંગતો હતો.




આમ કરીને તેણે વ્યાજનું વ્યાજ વસુલવાનું શરુ કર્યું હતું અને તેને દુકાને આવી તેમજ પિતાને જાણ કરી દેવાની ધમકીઓ આપતો હતો. જેથી કેનીલે તેના મિત્ર વર્તુળોની ગાડીઓ ગીરવે મૂકી દર મહીને દોઢ લાખ રૂપિયા આપતો હતો તેમ છતાં બે વર્ષમાં તેણે 28 લાખ રૂપિયા આપવાના બાકી નીકળે છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.




આ ઉપરાંત 1 ડીસેમ્બર 2021ના રોજ એડવોકેટ પાસે લઇ જઈ ત્યાં તૈયાર કરેલી નોટરીમાં તેની સહી પણ કરાવી લીધી હતી. નોટરીમાં બે ગાડીનું 28 લાખ ભાડું અને 15 લાખ રોકડા હાથ ઉછીના આપ્યા હોવાનું લખાણ કરેલું હતું. ત્યારબાદ જનકે તેની દુકાને આવી ડ્રોઅરમાં મુકેલા કેનીલના સહી કરેલા ચેકો તથા તેના મિત્રોના ચેકો અને તેની પાસે રહેલા રોકડા રૂપિયા 25 હજાર પણ બળજબરીથી કાઢી લીધા હતા.




એટલું જ નહી કેનીલના ઓળખીતા વેપારી પાસેથી 21 હજારનો મોબાઈલ ફોન પણ તેણે લઇ લીધો હતો અને જનક ચુડાસમા અને તેનો મિત્રએ તેની દુકાને આવી ગ્રાહકોની બે કાર પણ લઇ ગયા હતા. આ સાથે જ તેના ઘરના દસ્તાવેજોની માંગણી કરતા હતા. વ્યાજખોર જનકના ત્રાસના કારણે તેણે દુકાન પણ બંધ કરી દીધી હતી.



આખરે આ સમગ્ર મામલે રાંદેર પોલીસ મથકમાં અરજી કરતા જનકે બંને ગાડીઓ પરત કરી દીધી હતી.જનકે અઢી લાખ રૂપિયા 10 ટકા વ્યાજે આપી તેના બદલામાં 2 વર્ષમાં 20 લાખ રૂપિયા વસુલ્યા બાદ પણ વ્યાજ અને મુદલ સાથે 43 લાખ રૂપિયા બાકી હોવાનો હિસાબ આપતા કેનીલે આખરે સુરત ક્રાઈમ બ્રાંચનું શરણું લીધું હતું. આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતા પોલીસે વ્યાજખોર જનક વનાભાઈ ચુડાસમાની ધરપકડ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application