હવામાન વિભાગની આગાહીના પગલે સુરત સહિત સમગ્ર રાજ્યમાં આગામી ચાર પાંચ દિવસોમાં તાપમાન પારો વધવાના પગલે અનિવાર્ય સંજોગો સિવાય લોકોને બપોર બાદ ઘરની બહાર નીકળવાનું ટાળવા તંત્રે તાકીદ કરી છે. ગત રોજ સુરતમાં ગરમીનો પારો રેકોર્ડ બ્રેક 43 ડીગ્રીને કુદાવી જતાં લોકો આગઝરતી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.
ગુજરાતમાં એન્ટી સાયકલોનિક સર્ક્યુલેશન રચાવાના પગલે હવામાન વિભાગની આગાહી મુજબ સુરત સહિત રાજ્યના તમામ શહેરોમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ,પાટણ,રાજકોટ,અમરેલી બાદ હવે સુરતમાં પણ ભીષણ ગરમીની આલેબેલ પોકારીને તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર પહોંચ્યો છે.છેલ્લાં ત્રણેક દિવસોથી સુરતમાં આકરા બફારા વચ્ચે ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.તેમાંય ગતરોજ સુરતમાં બપોર બાદ તાપમાનનો પારો સડસડાટ વધીને 43 ડીગ્રીને કુદાવી ગયો હતો. જેના પગલે જનજીવન પ્રભાવિ થવા પામ્યું છે.બપોર બાદ આકરી ગરમીના પગલે સુરતના મોટા ભાગના રાજમાર્ગો પર એકલ દોકલ વાહન ચાલકો સિવાય રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા.
શહેરના રાજમાર્ગો પરથી પસાર થતા ટુ વ્હીલર્સ વાહન ચાલકોને હીટવેવના લીધે ચામડી દઝાડી દે તેવા આકરો તાપનો અનુભવ કર્યો હતો.
આગામી ચાર પાંચ દિવસો સુધી હજી આગ ઝરતી ગરમીની આગાહી તથા હીટ વેવને પગલે લોકોને તકેદારી રાખવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.અનિવાર્ય સંજોગો સિવાય શક્ય હોય તો લોકોને બપોર બાદ ઘરની બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકા તથા વહીવટી તંત્ર દ્વારા હીટ સ્ટ્રોકથી બચવા લોકોને જરૃરી ગાઈડલાઈન જારી કરી તેનું પાલન કરવા અનુરોધ કર્યો છે. લુ લાગવાના કિસ્સામાં વધારો થવાના પગલે હાલમાં લોકોને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડીને તકેદારી રાખવા જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500