સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં કોલ સેન્ટરના નામે લોકો સાથે છેતરપિંડી કરતા હોવાની ઘટના સામે આવી હતી. કવિકર ડોટ કોમના નામે લોકોને કામ કરવાની લાલચ આપી 6 દિવસમાં કામ પૂર્ણ કરવા જણાવતા હતા. જે કામ નહીં થતા પેનલ્ટીના નામે મસમોટી ઉઘરાણી કરી ધાકધમકી આપતા 6 ઈસમોને રાંદેર પોલીસે ઝડપી પાડયા હતા.
સુરત શહેરમાં અનેક છેતરપિંડીની ઘટના બને છે. અવનવી તરકીબ થકી લોકોને છેતરી મોટા કૌભાંડ આચરવામાં આવે છે. હાલ થોડા સમયથી કોલ સેન્ટર મારફતે છેતરપિંડીની અનેકો ઘટના પ્રકાશમાં આવી રહી છે. તેવામાં સુરતના રાંદેર પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા ગુજરાત ગેસ સર્કલ પાસે એક બિલ્ડિંગ માં કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું. આ કોલ સેન્ટરમાંથી લોકોને કવિકર ડોટ કોમ મારફતે ગ્રાહકોના ઈ-મેલ સાથેના ડેટા મેળવી ગ્લોબલ એક્સપોર્ટ ટેકનોલોજી નામની કંપનીમાં ગ્રાહકોને ઓનલાઇન સંપર્ક કરી ડેટા એન્ટ્રી અને ફોર્મ ફીલિંગની નોકરી ઓફર કરતા હતા.
કુલ રૂ. 1,82,100નો મુદામાલ કબ્જે કરાયો
આ નોકરી ઓફર કર્યા બાદ કામ માટે વિવિધ શરત રાખતા હતા અને 6 દિવસમાં કામ પૂરું કરી દેવા માટેની બાંહેધરી ગ્રાહક પાસેથી લેતા હતા. જો કે, આ લોકો 6 દિવસમાં થાય નહિ એટલું કામ આપી દેતા, જેથી ગ્રાહકથી કામ નહીં થઈ શકતા નુકસાની પેઠે પેનલ્ટી માગતા હતા અને જો કોઈ પેનલ્ટી ન આપે તો બોગસ વકીલ બની ધમકી આપતા હતા. સાથે જ FIRની નકલી કોપી બનાવી ગ્રાહકને મોકલતા હતા, જેથી ગ્રાહક દબાણમાં આવી પેનલ્ટી ભરી દેતો હતો. લગભગ લાખો રૂપિયાની પેનલ્ટી ઉઘરાવ્યાં બાદ આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.
પોલીસે તાત્કાલિક ઘટનાની ફરિયાદના પગલે તપાસ શરૂ કરી હતી અને કાદિર ઉર્ફે ગુડડુ મુનાવર સૈયદ, ઉસા અહેમદ શેખ,સિફિયાન ઐયાઝ અન્સારી,રિઝવાન નૂર મહોમદ પઠાણ,સામીયાબાનું શેખ અને આઇશા સાજિદ ઇકબાલ એમ યુવક અને યુવતી મળી કુલ 6 ઠગબાજોને ઝડપી પડ્યા હતા. તેમની પાસેથી 22 મોબાઈલ ફોન,33 સીમકાર્ડ,અલગ-અલગ બેન્કની 8 પાસબુક,લેપટોપ,કોમ્પ્યુટર સહિતનો રૂ.1,82,100નો મુદામાલ કબ્જે કરી 6 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500