આણંદના સોજીત્રામાં ગેરકાયદે શેડ અને પતરાની કેબીવાળાને નોટિસ આપવા છતાં દબાણ દૂર કરાયા ન હતા. ત્યારે પાલિકા તંત્રએ જૂના બસ સ્ટેન્ડ, લીમડી ચોક, ભાગોળ વિસ્તારમાંથી ૪૦થી વધુ દબાણો ઉપર બુલડોઝર ફેરવી સફાયો કર્યો હતો. સોજીત્રા પાલિકા વિસ્તારમાં ઘણા સમયથી ગેરકાયદે દબાણોનો રાફડો ફાટયો હોય તેવું જણાઈ રહ્યું હતું. આ અંગે વારંવાર રજૂઆતો પણ થઈ હતી. ત્યારે પાલિકા તંત્ર દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરનારાઓને અગાઉ નોટિસો આપી સ્વયંભૂ રીતે દબાણો દૂર કરી દેવા આદેશ કરાયો હતો. તેમ છતાં પણ ગેરકાયદે દબાણો દૂર કરાયા ન હતા. જેથી સોજીત્રા પાલિકાના વહીવટદાાર, રેવન્યૂ ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને જૂના બસ સ્ટેન્ડ, લીમડી ચોક, ભાગોળ વિસ્તારમાં કામગીરી આરંભી હતી.
જ્યાંથી તંત્રએ ગેરકાયદે બાંધી દીધેલા પાકાં ઓટલા, પતરાના શેડ, ગલ્લા અને લારીઓ સહિતના ૪૦થી વધુ દબાણો દૂર કરી સરકારી જમીન ખૂલ્લી કરી હતી. શેડ અને પતરાના કેબીનોને નોટિસ આપ્યા બાદ અન્ય દબાણ પણ દૂર કરતા હોવાનો નગરપાલિકાના પૂર્વ સભ્યોએ આક્ષેપ કર્યો હતો. બીજી તરફ સોજીત્રામાં દબાણ નોટિસ બાબતે દુકાનદારે ખુલાસો માંગતા અરજીમાં જણાવ્યું છે કે, તા. ૧૬મી અને ૧૯મીએ પાલિકાએ આપેલી નોટિસ કોમન ઉલ્લેખ વાળી અને કોઈ મિલક નંબરનો ઉલ્લેખ વગરની હોવાથી કાયદા વિરૂદ્ધ હોવાથી ટકવા પાત્ર નથી. ૧૫ દિવસનો સમય પણ આપ્યો નથી. નોટિસમાં જણાવ્યા મુજબ દબાણ પણ કર્યું નથી.
રોડની અંદર કોઈને નડતરરૂપ નથી તેવી હંગામી કેબીન ૪૦ વર્ષથી ચલાવીએ છીએ તેમજ ભાડુઆત તરીકે પાલિકાના ચોપડે પણ નોંધાયેલા છીએ. આવકનું એક માત્ર સાધન કેબીન હોવાથી અન્ય સ્થળે ખસેડી ગુજરાન ચલાવવા કેબીન ચાલુ રાખવા માંગણી કરાઈ છે. રસ્તો પહોળો કરવાની કામગીરી હોય તો બંને તરફ દબાણ દૂર કરવાની પણ રજૂઆત કરાઈ છે. ટ્રાફિકની સમસ્યા વધુ પોસ્ટ ઓફિસ બાજુ છે. ત્યારે ત્યાં પાંચ કેબીન અને નગરપાલિકાની સામે જ બે કેબીનો છે. ત્યારે બંને બાજુ સરખું દબાણ દૂર કરવા માંગણી કરી છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500