સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં સ્થિત સાધના સ્કૂલમાં તાજેતરમાં એક શિક્ષિકાએ નાની બાળકીને ક્રૂરતા પૂર્વક માર માર્યો હતો. જયારે બાળકી ઘરે આવી અને તેની માતાએ તેને કપડાં બદલાવતાં શરીર પર ઈજાના નિશાન જોયા બાદ સ્કૂલમાં ફરિયાદ કરી હતી. ત્યારે CCTVમાં પણ શિક્ષિકા બાળકીને માર મારતી હોવાનું ધ્યાને આવ્યું હતું. બીજી તરફ બાળકીના વાલીએ પોલીસ ફરિયાદ કરી હતી. જેને લઈને આજે શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે અને શિક્ષણ અધિકારીના આદેશથી સ્કૂલ દ્વારા શિક્ષિકાનું રાજીનામું પણ લઈ લેવામાં આવ્યું છે. કાપોદ્રા પોલીસે મહિલા શિક્ષક સામે ગુનો દાખલ કર્યો છે અને શિક્ષણ મંત્રીએ વધુ તપાસના આદેશ આપ્યાં છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતના કાપોદ્રા વિસ્તારમાં સ્થિત સાધના નિકેતન સ્કૂલમાં જુનિયર કેજીમાં ભણતી સાડા ચાર વર્ષની બાળકીને સ્કૂલમાં મહિલા શિક્ષિકાએ ઢોર માર માર્યો હતો. આ બાળકીએ અક્ષરો સારા નહીં કાઢ્યા હોવાથી કે બરાબર રીતે નોટમાં લખાણ નહીં લખ્યું હોવાને લઈ રોષે ભરાયેલ શિક્ષિકા જશોદાબેને બાળકીને પીઠ અને ગાલના ભાગે માર માર્યો હતો. બાળકી જ્યારે ઘરે પહોંચી અને યુનિફોર્મ બદલતી હતી ત્યારે બાળકીની પીઠના ભાગે લાલ કલરના કેટલાંક નિશાન ઊપસી ગયા હતા. જેથી બાળકીની માતાએ બાળકીને આ બાબતે પૂછતા શિક્ષિકા દ્વારા તેને માર મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે. બાળકીની માતા તાત્કાલિક સ્કૂલે ગયાં હતાં અને શિક્ષકોને આ બાબતે જાણ કરી હતી. ત્યારબાદ સ્કૂલે CCTV કેમેરાની તપાસ કરતા શિક્ષિકા દ્વારા બાળકીને મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાને લઈને શિક્ષિકાની ભૂલ જણાતાં સ્કૂલના સંચાલકો દ્વારા તાત્કાલિક જ શિક્ષિકા પાસે રાજીનામું લખાવી લેવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાને થતાં તેમને પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત શિક્ષણ અધિકારી દ્વારા અન્ય સ્કૂલોને પણ અપીલ કરવામાં આવી હતી કે, શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતા તમામ પરિપત્ર શાળાઓએ વાંચવા જોઈએ અને આ પરિપત્રોનું પાલન કરાવવું. કાપોદ્રા પોલીસે વાલીની ફરિયાદના આધારે શિક્ષિકા જશોદા સામે ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500