કોંગ્રેસ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સતત મોંઘવારીના મુદ્દે ઘેરી રહી છે. સંસદનું ચોમાસુ સત્ર ચાલુ છે. આજે સંસદમાં કોંગ્રેસે ફ્યૂલના વધતા ભાવ અને મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન એક મહિલા સાંસદ ગેસ સિલિન્ડર સાથે પ્રદર્શન કરતા જોવા મળ્યા. મહિલા સાંસદે બાહુબલી સ્ટાઈલમાં સિલિન્ડર ઉઠાવ્યું અને વધતી મોંઘવારી અંગે નારાજગી વ્યક્ત કરી.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ અને કેટલાક અન્ય વિપક્ષી દળોના સાંસદોએ સંસદ પરિસરમાં ધરણા ધર્યા. મોંઘવારી અને અનેક જરૂરી ખાણીપીણીની વસ્તીઓને જીએસટીના દાયરામાં લાવવાના વિરોધમાં આ સાંસદોએ સરકાર પર નિશાન સાધ્યું. આ લોકોએ એક બેનર પણ રાખ્યું હતું જેના પર ગેસ સિલિન્ડરની તસવીર હતી અને લખ્યું હતું કે ભાવ વધવાથી સામાન્ય નાગરિકોનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે, તેઓ જીવન નિર્વાહ કેવી રીતે કરશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જૂન ખડગે, લોકસભામાં કોંગ્રસના નેતા અધીર રંજન ચૌધરી, તેલંગણા રાષ્ટ્ર સમિતિના નમા નાગેશ્વર રાવ તથા કે.કેશવ રાવ, નેશનલ કોંગ્રેસના હસનૈન મસૂદી, આઈયુએમએલના ઈટી મોહમ્મદ બશીર અને અન્ય અન્ય વિપક્ષી સાંસદો પણ આ ધરણામાં સામેલ થયા.
વિપક્ષી સાંસદોએ 'દૂધ દહી પરથી જીએસટી પાછો લો' ના નારા પણ લગાવ્યા. આ અવસરે ખડગેએ કહ્યું કે આજે લોટ, દહી અને અન્ય વસ્તુઓના ભાવ વધી ગયા છે. સામાન્ય નાગરિકો પર આ સરકારે અત્યાચાર કર્યા છે. અમે તેની સામે વિરોધ કરીશું. નોંધનીય છે કે વિપક્ષી દળોએ મંગળવારે પણ આ મુદ્દે સંસદ પરિસરમાં ધરણા ધર્યા હતા અને બંને ગૃહોમાં હંગામો કર્યો હતો. જે કારણે કાર્યવાહી ખોરવાઈ હતી. જીએસટી પરિષદના નિર્ણય લાગૂ થયા બાદ સોમવારે અનેક ખાદ્ય વસ્તુઓ મોંઘી થઈ. જેમાં પહેલેથી પેક અને લેબલવાળા ખાદ્ય પદાર્થ જેમ કે લોટ, પનીર અને દહી સામેલ છે. જેના પર હવે પાંચ ટકા જીએસટી આપવો પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500