સુરતના પાંડેસરા વિસ્તારમાં વધુ એક યુવાનની ઘાતકી હત્યા થઈ છે.ઉછીના લીધેલા રૂ.10 હજાર પરત નહીં આપતા યુવાનને મધરાતે ભીડભંજન આવાસમાં લઈ જઈ ત્રણ યુવાનોએ તેને ત્રણ કલાક સુધી ડંડાથી માર મારી ત્રણ યુવાનોએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવાનને બચાવવા ગયેલા બે મિત્રોને પણ તેમણે ફટકારતા તેમને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનનો વતની અને સુરતમાં પાંડેસરા આશાપુરી સોસાયટી વિભાગ 2 પ્લોટ નં.400 ગ્રાઉન્ડ ફ્લોર પર પરિવાર સાથે રહેતો અને કેટરર્સમાં કારીગરોનો કોન્ટ્રાકટ રાખતો 24 વર્ષીય વિશાલ શંકરભાઇ ગર્ગ રાત્રે ઘરની અગાસીમાં સુઈ ગયો હતો. જોકે રાત્રે 12.30 વાગ્યે તેના બે મિત્રો કૃલાણ પટેલ અને હિતેશ રાણા તેના ઘરની સામે વાત કરતા હતા.
ત્યારે વિશાલ નીચે આવ્યો હતો.બંનેએ ક્યાં જાય છે પૂછતાં તેણે રાકેશનો માણસ લેવા આવે છે તેમ કહ્યું હતું.થોડીવારમાં રાકેશનો ભીડભંજન આવાસમાં રહેતો માણસ સુદામ મોપેડ લઈ આવતા વિશાલ બંને મિત્રોને થોડીવારમાં આવવા કહી તેની સાથે ચાલ્યો ગયો હતો. 10 મિનિટ બાદ બંને મિત્રો ભીડભંજન આવાસ બિલ્ડીંગ નં.12 પાસે પહોંચ્યા ત્યારે રાકેશ જૈના અને હરીશ રાઠોડ વિશાલને ડંડાથી મારતા હતા.જયારે કુમાર બિસોઇ અને સુદામ ત્યાં ઉભા હતા.બંને મિત્રો વિશાલને છોડાવવા ગયા તો રાકેશ અને હરીશે ડંડા વડે જયારે કુમાર બિસોઈએ ઈંટ વડે તેમના પર હુમલો કરી બંનેના પગ તોડી નાખ્યા હતા.બાદમાં તેઓ ફરી વિશાલ પાસે ગયા હતા અને રાકેશે વિશાલને સાલા તું મેરા પૈસા ખા ગયા હે આજ તુજે જીંદા નહીં છોડેંગે કહી આડેધડ ડંડાથી સવારના ચાર વાગ્યા સુધી માર મારી અધમુઓ કરી નાખ્યો હતો.
વિશાલના અન્ય બે મિત્રોને પણ તેમણે ત્રણ કલાક સુધી માર માર્યો હતો.વિશાલના અન્ય બે મિત્રો મળસ્કે ત્યાં આવતા રાકેશે ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહી સાથે ધમકી પણ આપી હતી કે તેમનો એક્સિડન્ટ થયો છે તેવું ત્યાં કહેજો.જોકે, વિશાલથી રીક્ષામાં બેસી શકાય તેમ ન હોય તેને આવાસની બહાર સ્કુલ પાસે બેસાડી તેને 108 માં નવી સિવિલ લઈ જવા તજવીજ કરી હતી પણ 108 ના સ્ટાફે તેને મૃત જાહેર કર્યો હતો.જયારે તેના બે મિત્રોને સારવાર માટે નવી સિવિલ હોપિટલમાં દાખલ કર્યા હતા.બનાવ અંગે વિશાલના ભાઈ અમિતને જાણ કરતા તે દોડી આવ્યો હતો.સ્થળ પર પહોંચેલી પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે વિશાલ અવારનવાર રાકેશ પાસે પૈસા ઉછીના લેતો હતો.હાલમાં તેણે રૂ.10 હજાર લીધા હતા.તે પરત કરતો ન હોય રાકેશે હુમલો કર્યો હતો.પાંડેસરા પોલીસે અમિતની ફરિયાદના આધારે રાકેશ જૈના, હરીશ રાઠોડ અને કુમાર બિસોઇ આ ત્રણેય રહે.ભીડભંજન આવાસ,પાંડેસરા, સુરત વિરુદ્ધ હત્યા,મારામારીનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500