પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો થયો છે. એક જ દિવસમાં પેટ્રોલનાં ભાવ 24 વધ્યા હતા ને ડીઝલમાં 36 રૂપિયાનો ભાવ વધારો થયો હતો. પેટ્રોલના એક લિટરના 234 પાકિસ્તાની રૂપિયા અને ડીઝલના એક લિટરના 263 રૂપિયા થઈ ગયા હતા. પાકિસ્તાન સરકારના પેટ્રોલિયમ મંત્રીએ આ સ્થિતિ માટે ઈમરાન ખાન પર દોષનો ટોપલો ઢોળ્યો હતો.
પાકિસ્તાનમાં મોંઘવારી બેફામ બની ગઈ છે. તોતિંગ આર્થિક બોજ હેઠળ દબાયેલા પાકિસ્તાનમાં એક લિટર પેટ્રોલના ૨૩૪ રૂપિયા અને એક લિટર ડીઝલના 263 રૂપિયા ભાવ થઈ ગયો છે. કેરોસીન તેલ વગેરેમાં પણ ભાવવધારો થયો છે.
પેટ્રોલિયમ અને કોલસાની અછત હેઠળ પાકિસ્તાનના ગ્રામ્ય વિસ્તારોમાં 12-12 કલાકનો વીજકાપ મૂકાતો હોવાથી નાગરિકોની પરેશાની વધી છે. પાકિસ્તાનમાં છેલ્લાં 20 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલિયમમાં ભાવ વધારો થયો હતો. પેટ્રોલમાં એક જ મહિનામાં 40 રૂપિયા જેટલો ભાવ વધારો ઝીંકાયો છે. ડીઝલમાં પણ 55 રૂપિયા વધ્યા છે.
પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી મુસદ્ક મલિકે આ સ્થિતિ માટે દોષનો ટોપલો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ઢોળ્યો હતો. પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું હતું કે ઈમરાન ખાનની સરકારે જાણી જોઈને પેટ્રોલિયમ પર સબસીડી આપી હતી. એનાથી સરકાર ઉપર બોજ વધ્યો હતો. શાહબાઝ શરીફની સરકારે દાવો કર્યો હતો કે, સરકારે પેટ્રોલિયમમાં 120 અબજ રૂપિયાની ખોટ ખાધી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500