નિઝરનાં હરદુલી ગામનાં રહીશ નિખિલભાઈ શરદભાઈ પાડવી ગત તારીખ 9નાં રોજ બનેવીને લેવા માટે મોટરસાઈકલ લઈને મહારાષ્ટ્રનાં નંદુરબાર તાલુકાનું ગુલીપલાસી ગામે ગયો હતો, ત્યાંથી બનેવી રાહુલને લઇને આવતા રસ્તામાં મોટરસાઇકલમાં પેટ્રોલ ઓછું જણાતા વાંકા ચાર રસ્તા પાસે આવેલા આર.કે.પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવવા ગયા હતા. પંપ પર લાઈટ આવ-જા કરતી હોવાથી લાઈનમાં ઊભા હતા. તે દરમિયાન હરદુલી ગામનો ઇસમ અરવિંદભાઈ બાપુભાઈ ઠાકરે પણ પેટ્રોલપંપ ઉપર આવ્યો હતો.
જેણે નિખિલ પાડવી સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. તે દરમિયાન નિખિલનાં બનેવીએ વચ્ચે પડી ઝઘડો શાંત કરાવ્યો હતો, ત્યારબાદ હરદુલી ફાટા પાસે અરવિંદ ઠાકરેએ નિખિલ પાડવી અને તેમના બનેવીની મોટરસાઇકલ ઊભી રાખવાની કોશિશ કરી હતી. પરંતુ ઝઘડો મોટો થશે તેમ વિચારી તેઓએ મોટરસાઇકલ ન થોભાવતા ઘર તરફ જતા રહ્યા હતા. જે ઝઘડા અંગેની અદાવત રાખી રાત્રિના નવેક વાગ્યાના અરસામાં અરવિંદ ઠાકરે હરદુલીમાં નિખિલ પાડવીના ઘરે આવી ગયા હતા.
તે દરમિયાન જેણે નિખિલ સાથે ઝપાઝપી કરી તથા ગળામાં પકડી આર.સી.સી. રોડ ઉપર યુવાનને પછાડી દીધો હતો. જ્યાં યુવાનને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું. આરોપી અરવિંદ બાપુ ઠાકરે (રહે. હરદુલી) સામે નિઝર પોલીસ મથકે રાહુલભાઇ સંજુભાઈ પાડવી (ઉ.વ.22, રહે. બાલ્દા ગામ, પ્લોટ ફળિયું, તા. કુકરમુંડા)એ ફરિયાદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500