નિઝરના હથનુરમાં પુત્રે સગી જનેતાને માથામાં લાકડાના ફટકા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. માતાએ જમવાનું નહિં આપ્યું હોવા બાબતે પુત્રે માતા સાથે ઝગડો કર્યો હતો અને ત્યારબાદ માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. માતાના હત્યારા પુત્ર સામે નિઝર પોલીસે હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી છે.
પોલીસ દ્વારા પ્રાથમિક મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના અતિ છેવાડે આવેલ એવું નિઝર તાલુકાના હથનુર ગામેં આજરોજ સવારે આશરે ૯:૦૦ વાગેના અરસામાં માતા સિલાબેન અશ્વિનભાઈ પાડવી (ઉ.વ.૫૦) નાની રોસાઈ બનાવતી હતી તે સમયે પુત્ર સુરજભાઈ અશ્વિનભાઈ પાડવી (ઉ.વ.૨૫) નાનો માતા પાસે આવી વહેલા જમવાનું માંગતો હોય જેને લઇ માતા-પુત્ર વચ્ચે બોલાચાલી થતા પુત્ર સુરજભાઈ પાડવી એકદમ ગુસ્સામાં આવી જઈ ઘરમાં પડેલ સીસમના લાકડાના સાંબેલા વડે માતાના માથાના જમણા ભાગે ફટકો માર્યો હતો. દરમિયાન પિતા અશ્વિનભાઈ છગનભાઈ પાડવી વચ્ચે પડતા તેમને પણ માથાના ભાગે સીસમના લાકડાના સાંબેલા વડે ફટકો મારતા પિતાને ગંભીર ઈજા પહોંચી હતી.
જોકે સામાન્ય બાબતે પુત્ર દ્વારા કરવામાં આવેલ જીવલેણ હુમલામાં માતાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ઘટના સ્થળ પર પહોંચેલી નિઝર પોલીસ દ્વારા પિતા અશ્વિનભાઈ છગનભાઈ પાડવીની ફરિયાદના આધારે આરોપી પુત્ર સુરજભાઈ પાડવી વિરુદ્ધ ઈપીકો કલમ ૩૦૨,૩૨૩ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500