ગણેશ ચતુર્થી પર્વની શરૂઆત અને શ્રીજીની સ્થાપના ઢોલ, નગારા સાથે ઉત્સાહભેર કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થીને અનુલક્ષીને ગણેશ મંડળો દ્વારા હર્ષોલ્લાસ સાથે ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કરાયું હતું. ગણપતિ બાપા મોરયાની ધૂનો સાથે ભાવિક ભકતોએ ધાર્મિકવિધીઓ સાથે ગણેશજીની મુર્તિઓ સ્થાપિત કરી હતી. નવસારીમાં વિધ્નહર્તા દેવની પૂજા હિંન્દુઓની સાથે પારસીઓ પણ કરે છે. છેલ્લા 40 વર્ષથી પણ વધુ સમયથી નવસારીમાં પારસીઓ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓએ ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરી છે, જોકે આ વખતે ખાસ મૂર્તિની મંડપમાં મુકવામાં આવી છે.
નવસારીમાં જૂનાથાણા વિસ્તારમાં પારસીઓ તરફથી છેલ્લા 40 વર્ષથી પણ વધુ સમયથી ગણપતિની આરાધના કરવામાં આવે છે. આ વર્ષે નવસારીના જ રહેવાસી મહેશભાઇ વ્યાસના ઘરની એક ઐતિહાસિક મૂર્તિ મંડપમાં લોકોના દર્શનાર્થી મુકવામાં આવી છે આ મૂર્તિ 125 વર્ષ જુની અને 9 તોલા સોનાથી મઢેલી આશરે 150 કિલો વજન ઘરાવતી મૂર્તિ મંડપમાં ભક્તોના દર્શન માટે મુકવામાં આવી છે.
આ મૂર્તિની ખાસ વાતએ છે કે, મૂર્તિ માત્ર એક બુદ્ધ પથ્થરમાંથી સુંદર રીતે કંડારીને તેને સોનાથી સુશોભિત કરવામાં આવી છે. આ ઉપરાંત લંડન ઓક્શન હાઉસમાં આ મૂર્તિની કિંમત 50 લાખ આંકવામાં આવી છે. આવી ઐતિહાસિક અને કિંમતી મૂર્તિ લોકોના દર્શન માટે મુકાતા શહેરના લોકોમાં કૂતુહલ સર્જાયું છે. નવસારી છોડીને હાલમાં મુંબઇ સ્થિત પારસીઓ પણ ગણેશ ચતુર્થીમાં આરાધના કરવા પોતાના કામ-ધંધા છોડીને આવે છે. મંડળમાં તમામ પારસી ભાઇ-બહેનો 10 દિવસ વિધ્નહર્તાની સેવા કરીને ધન્યતા અનુભવે છે જયારે આ ગણપતિની 125 વર્ષ જૂની મૂર્તિને મંડપમાં બિરાજમાન કરતા પહેલા ગાયના દુધ, ઘી અને પંચામૃતથી ખાસ પ્રકારનો અભિષેક કરી મૂર્તિનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. આ બાદ જ મૂર્તિની મંડપમાં બિરાજવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500