સુરત શહેરનાં કતારગામ ઝોનમાં આવેલા નાની વેડ વિસ્તારમાં અંબાજી માતાજી અને લક્ષ્મી નારાયણ મંદિરનું ધાર્મિક દબાણ દૂર કરવા મહાનગર પાલિકાએ નોટિસ ફટકારવામાં આવતાં સ્થાનિકોમાં રોષ સામે આવ્યો છે. પાલિકા દ્વારા આ વિસ્તારમાં 30 મીટરના પહોળા ટી.પી. રોડ પર ધાર્મિક દબાણ દૂર કરવાની તજવીજ હાથ ધરી છે. આ હરકતની જાણ થતાં જ સ્થાનિક લોકો ગુરુવારે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી ગયા હતા. ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરને આવેદન પાઠવતાં સ્થાનિકો દ્વારા મંદિરનું દબાણ દૂર ન કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
સુરત મહાનગર પાલિકા દ્વારા હાલમાં જ શહેરનાં તમામ ઝોન વિસ્તારોમાં રસ્તા પર આવેલા નડતરરૂપ ધાર્મિક દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરતાં વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંસ્થાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરમાં આવેલા રસ્તા વચ્ચે અડચણરૂપ મંદિરો દુર કરવા માટેની કવાયત વચ્ચે આજે કતારગામમાં નાની વેડ ખાતે રહેતાં સ્થાનિકોએ જિલ્લા કલેકટર કચેરીએ મોરચો કાઢ્યો હતો. ભારે રોષ અને સૂત્રોચ્ચાર સાથે સ્થાનિકોએ કતારગામ ઝોન દ્વારા ટી.પી. રોડ પર 30 મીટરની લાઈનદોરીના અમલનો વિરોધ કર્યો હતો. નાની વેડ ખાતે રહેતાં સ્થાનિકોએ જિલ્લા કલેકટરને આવેદન સુપરત કર્યા બાદ જણાવ્યું હતું કે, નાની વેડ ખાતે આવેલા અંબાજી માતાના મંદિરના આગળના ભાગે આવેલી દિવાલ ઉપર મહાનગર પાલિકાએ નોટિસ ચોંટાડી છે.
નાની આ મંદિર દાયકાઓ જુનું છે અને ગ્રામજનો સહિત આસપાસના રહેવાસીઓ દ્વારા આ સ્થળે નિયમિત પૂજા-પાઠ કરે છે. તહેવારોમાં ધાર્મિક આયોજનો પણ કરે છે. હાલમાં જ આ વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં.52 (વેડ)માં મંદિરને ફાઈનલ પ્લોટ ફાળવવામાં આવ્યો હતો અને આ સ્થળે 30 મીટરની પહોળાઈનો રસ્તો સુચવવામાં આવ્યો છે. હવે અંબાજી માતાના મંદિરને ધાર્મિક દબાણ ગણીને ડિમોલીશન માટે પાલિકા દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. આને કારણે અમે ઘણા નારાજ છીએ. લોકોએ વધુમાં જણાવ્યું હતું કે, મંદિરની પાસે આવેલા રસ્તા પર કોઈપણ પ્રકારનું દબાણ થતું નથી અને રાહદારીઓ કે વાહન ચાલકોને પણ કોઈ પ્રકારની અડચણ ઉભી થતી નથી. અમે મહાનગર પાલિકાને લેખિતમાં રજુઆત પણ કરી છે. વાંધા અરજી પણ આપવામાં આવી હતી. જોકે પાલિકાના વહીવટી તંત્ર દ્વારા આ સંદર્ભે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતાં અંતે અમારે જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને મંદિર કાયમી ધોરણે સુરક્ષિત રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરવી પડી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500