નવસારીનાં જલાલપોર તાલુકાના મરોલીનાં ડાલકી ગામે રહેતા યુવકને તેની પ્રેમિકાએ પ્રેમસંબંધ રાખવાની ના પાડતાં રોષે ભરાયેલા યુવકે તેનું અપહરણ કરી રેલવે સ્ટેશને લઈ ગયો હતો અને તેની ઉપર હિંસક હુમલો કરી ભાગી જતા ચકચાર મચી હતી. જયારે લોહી લુહાણ હાલતમાં બેહોશ થયેલ યુવતીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જલાલપોર તાલુકાનાં મરોલી પંથકમાં રહેતી 20 વર્ષની યુવતી અને મરોલી નજીક આવેલાં ડાલકી ગામે મલેક ફળિયામાં રહેતો બાસીત વચ્ચે છેલ્લાં છ મહિનાથી પ્રેમસંબંધો હતા.
પરંતુ કોઈક કારણોસર યુવતીને આ પ્રેમસંબંધ આગળ લઈ જવો ન હતો. આથી બાસીતની અવગણના કરવા માંડી હતી અને યુવતી સિવણ ક્લાસ કરતી હતી. જેથી મંગળવારે પણ તે રાબેતા મુજબ પોતાની એક્ટિવા ઉપર સિવણ ક્લાસમાં ગઈ હતી. દરમિયાન બાસીત તેને રસ્તામાં મળી જતાં તેણે યુવતીને વાત કરવાના બહાને મરોલી રેલવે સ્ટેશન પર લઈ ગયો હતો. બંને જણ સ્ટેશનનાં પગથિયા પાસે ઉભા રહીને વાતચીત કરવા લાગ્યા હતા. જેમાં ઉગ્ર બોલાચાલી થતાં બાસીતે યુવતી ઉપર હિંસક હુમલો કરતા તેના માથામાં ડાબી બાજુ ઈજા થતાં લોહી નીકળતા તે બેહોશ થઈ હતી.
દરમિયાન બપોરે દોઢ વાગે સિવણ ક્લાસમાંથી યુવતીના પિતાને ફોન આવ્યો હતો કે, તમારી છોકરીને એક છોકરો જબરદસ્તીથી બાઈક ઉપર બેસાડીને લઈ ગયો છે. આથી ચિંતામાં મુકાયેલો પરિવાર તેને શોધવા જતાં રેલવે સ્ટેશનનાં પગથિયા પાસે યુવતી લોહીલુહાણ હાલતમાં બેહોશ મળી આવી હતી. આથી તેને તુરંત હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. બનાવ અંગે યુવતીનાં પિતાએ મરોલી પોલીસમાં બાસીત અબ્દુલ ક્યુમ મલેક સામે ફરિયાદ આપતા પોલીસે તેની વિરૂધ્ધ અપહરણ, હિંસક હુમલો કરી ભાગી જવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500