મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી છે જેને પગલે કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)ની વધારાની ૨૦ કંપનીઓને મણિપુર રવાના કરી છે. આ કંપનીમાં સામેલ બે હજારથી વધુ જવાનોને તાત્કાલીક હિંસાગ્રસ્ત મણિપુરમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે. અહીંના ઝિરીબાન જિલ્લામાં ૧૧ ઉગ્રવાદી માર્યા ગયા હતા જે બાદ પણ સ્થિતિ કાબુ બહાર છે અને સમગ્ર વિસ્તારમાં કરફ્યુ લાગુ કરાયો છે. ઝિરીબાન જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા અનેક મકાનોને આગ લગાવવામાં આવી હતી, સાથે જ પોલીસ સ્ટેશન પર અને સીઆરપીએફ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેની વળતી પ્રતિક્રિયા દરમિયાન ૧૧ ઉગ્રવાદીઓ ઠાર મરાયા હતા. આ ઘટના બાદ અહીંના મૈતેઇ સમુદાયના ત્રણ બાળકો સહિત છ લોકો હજુ પણ ગુમ છે.
અગાઉ મણિપુરમાં ૧૭ મકાનોને આગ લગાવાઇ હતી સાથે જ મહિલાને પગમાં ગોળી મારીને તેના પર રેપ કરીને બાદમાં જીવતી સળગાવીને હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે ખેતરમાં કામ કરતી મહિલા ખેડૂતની પણ ગોળી મારીને હત્યા કરાઇ હતી. આ ઘટનાઓ બાદ કૂકી અને મૈતેઇ સમુદાયના લોકો રસ્તા પર ઉતર્યા હતા. હિંસાની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કરીને કહ્યું છે કે, તેણે મણિપુરમાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે સીએપીએફની ૨૦ કંપનીઓ તૈનાત કરી છે, જેમાં ૧૫ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ, પાંચ સીમા સુરક્ષા દળની કંપનીનો સમાવેશ થાય છે. આ સાથે જ હવે સીએપીએફની ૨૦ સહિત કુલ ૨૧૮, સીઆરપીએફની ૧૧૫, આરએએફની આઠ, બીએસએફની ૮૪, એસએસબીની છ અને આઇટીબીપીની પાંચ કંપનીઓ ૩૦ નવેમ્બર સુધી મણિપુરમાં તૈનાત રહેશે. મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી હિંસાની શરૂઆત થઇ હતી જે હજુ પણ ચાલી રહી છે. આ હિંસામાં ૨૦૦થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો વિસ્થાપિત થતા રાહત કેમ્પોમાં રહેવા મજબૂર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500