મુંબઇ સહિત મહારાષ્ટ્રનાં મોટાભાગમાં નૈઋત્યનાં ચોમાસાની તીવ્રતા તબક્કાવાર ઘટતી જાય તેવાં કુદરતી પરિબળો આકાર લઇ રહ્યાં છે સાથોસાથ આવતા બે દિવસ બાદ નૈઋત્યનાં ચોમાસાની સમગ્ર ભારતમાંથી વિદાયની પ્રાકૃતિક પ્રક્રિયા પણ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, કચ્છમાંથી તબક્કાવાર શરૂ થાય તેવાં પરિબળો પણ સર્જાઇ રહ્યાં છે. જયારે મુંબઈમાં તળ મુંબઈનાં વિસ્તારોમાં સવારે કેટલાક વિસ્તારોમાં છૂટાંછવાયાં ઝાપટાં પડયાં હતાં.
જોકે, છેલ્લા કેટલાય દિવસોથી બોરિવલી, થાણે સહિતનાં ઉત્તરીય પરાંઓમાં વરસાદની જે રમઝટ જોવા મળતી હતી તેની હવે ગેરહાજરી જોવા મળી હતી. મહારાષ્ટ્રનાં ગિરિમથક મહાબળેશ્વરમાં વર્ષા અને ધુમ્મસને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જયારે આવતા 2 દિવસ (48 કલાક) દરમિયાન મુંબઇ-મહારાષ્ટ્ર સહિત ભારતનાં રાજસ્થાન, હરિયાણા, પંજાબ વગેરે રાજ્યો અને ગુજરાતનાં કચ્છ જિલ્લામાંથી નૈઋત્યનાં ચોમાસાની વિદાયની કુદરતી પ્રક્રિયા તબક્કાવાર શરૂ થાય તેવા સાનુકુળ પરિબળો પણ સર્જાઇ રહ્યાં છે.
આમ આ બધા સ્થળોએ છેલ્લા ચાર-પાંચ દિવસ દરમિયાન વરસાદ નથી વરસ્યો સાથોસાથ હાલ પવનની દિશા પણ નૈઋત્યમાંથી ધીમે-ધીમે બદલાઇને ઉત્તર-પશ્ચિમ દિશા તરફની થઇ રહી છે. ભારતનાં કોઇ સ્થળે સતત ચાર-પાંચ દિવસ દરમિયાન વર્ષા ન થાય અને પવનની દિશા નૈઋત્યમાંથી બદલાઇને ઉત્તર-પૂર્વ કે પશ્ચિમની થાય તો તે સંકેતો નૈઋત્યનાં ચોમાસાની વિદાયના ગણાય છે.
મુંબઇનાં કોલાબામાં મહત્તમ તાપમાન 25.8 અને લઘુત્તમ તાપમાન 23.6 ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન 27.3 અને લઘુત્તમ તાપમાન 23.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કોલાબામાં સાંજનાં 5.30 સુધીમાં 2.5 મિલિમીટર જ્યારે સાંતાક્રૂઝમાં 17.7 મિલિમીટર વર્ષા નોંધાઇ હતી.
હવામાન ખાતાના મુંબઇ કેન્દ્રના ડાયરેક્ટરએ માહિતી આપી હતી કે, આજે બંગાળનાં ઉપસાગરનાં ઉત્તર-પશ્ચિમ અને તેની નજીકના પશ્ચિમ-મધ્ય હિસ્સામાં હવાના હળવા દબાણનું કેન્દ્ર (લો પ્રેશર) સર્જાયું છે. આ લો-પ્રેશર આવતા 24 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશાનાં ઓડિશાનાં સમુદ્ર કિનારા ભણી સરકીને વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
આ બદલાયેલા કુદરતી પરિબળની અસરથી આવતા ચાર દિવસ (તારીખ 20 થી 23 સપ્ટેમ્બર) દરમિયાન કોંકણ (મુંબઇ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ)માં ગાજવીજ સાથે હળવી વર્ષા થાય તેવી સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્ર (નાશિક, ધુળે, નંદુરબાર, જળગાંવ, પુણે, અહમદનગર, સાંગલી, સોલાપુર) અને મરાઠવાડા (નાંદેડ, પરભણી, હિંગોળી, ઔરંગાબાદ, બીડ, લાતુર)માં પણ ગાજવીજ, તીવ્ર પવન સાથે મધ્યમથી હળવો વરસાદ વરસે તેવી સંભાવના છે. જોકે આ જ ચાર દિવસ દરમિયાન વિદર્ભ (અમરાવતી, ભંડારા, ચંદ્રપુર, ગઢચિરોળી, ગોંદિયા, નાગપુર, વર્ધા)માં ભારે ગાજવીજ, તોફાની પવન સાથે મુશળધાર વરસાદ વરસે તેવાં પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500