Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુકાશ્મીરમાં ડોડા જિલ્લામાં ફરી એક વખત આતંકીઓ સુરક્ષા જવાનોને નિશાન બનાવી ગોળીબાર કર્યો, બે જવાનો થયા ઘાયલ

  • July 20, 2024 

જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં આતંકી હુમલા વધવા લાગ્યા છે. જમ્મુ પ્રાંતને આતંકીઓએ બાનમાં લીધુ હોય તેમ છેલ્લા સવા મહિનાથી સતત હુમલા થઇ રહ્યા છે. હવે ડોડા જિલ્લામાં ફરી એક વખત આતંકીઓ સુરક્ષા જવાનોને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો, જેમાં બે જવાનો ઘાયલ થઇ ગયા છે. બીજી તરફ સૈન્ય દ્વારા માત્ર જમ્મુ પ્રાંતમાં જ ત્રણ હજારથી વધુ જવાનોને ઉતારવામાં આવ્યા છે, જેઓ આતંકીઓ પર તૂટી પડશે અને તેમનો સફાયો કરશે એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, જમ્મુમાં વધી રહેલા આતંકી હુમલાની માહિતી અગાઉ જ મેળવી લેવામાં એજન્સીઓ પણ નિષ્ફળ સાબિત થઇ રહી છે, સૈન્ય અને સુરક્ષાદળોને માહિતીઓ મેળવવામાં આમ જનતાનો સહયોગ નથી મળી રહ્યો, જેને કારણે હુમલા પહેલા જે માહિતી અગાઉ મળી જતી હતી તે હવે ઓછી મળી રહી છે. અને તેથી જ આતંકીઓ મોટા હુમલા કરવામાં સફળ થઇ રહ્યા છે.


એક રિપોર્ટ અનુસાર છેલ્લા છ મહિનામાં ઘાટીમાં ઘૂસણખોરી કરનારા આતંકીઓનો એક સમૂહ તાજેતરના વધી રહેલા આતંકી હુમલા પાછળ જવાબદાર હોઇ શકે છે. આ સમૂહમાં મુખ્ય રીતે પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પ્રાંતથી ભરતી થયેલા આતંકીઓ સામેલ હોઇ શકે છે. આતંકીઓ પાસે અફઘાનિસ્તાન યુદ્ધનો પણ અનુભવ હોવાના અહેવાલો છે અને જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠને આ આતંકીઓને તાલિમ આપી હોવાની શક્યતા છે. હાલમાં કાશ્મીર ઘાટીમાં આતંકી હુમલા સાવ ઓછા અને જમ્મુમાં વધુ જેવી સ્થિતિ છે, જેને પગલે સૈન્યએ હવે ઘાટી ઉપરાંત જમ્મુમાં સુરક્ષાદળોની સંખ્યા વધારી દીધી છે, હાલ જમ્મુમાં ત્રણ હજાર જવાનોને ઉતારવામાં આવ્યા છે.


સાથે જ અહીંયા એક બ્રિગેડ હેડક્વાર્ટર, ત્રણ બટાલિયન અને કેટલાક પેરા એસએફની ટીમ પણ તૈનાત કરી છે. અગાઉ આ પ્રાંતમાં હજારો જવાનો તૈનાત હતા, જોકે શાંતિની સ્થિતિ સ્થપાતા ચાર વર્ષ પહેલા જ અહીંયાથી ૧૨ હજાર સૈનિકોને હટાવી લેવાયા હતા. લદ્દાખ પ્રાંતમાં ચીન સાથે ઘર્ષણ બાદ ત્યાં સુરક્ષા વધારવામાં આવી હતી, એવામાં જમ્મુમાં જવાનોની સંખ્યા ઘટવાનો આતંકીઓએ ફાયદો ઉઠાવ્યો અને હુમલા કરવા લાગ્યા. અગાઉ અહીંયા ચાર ડિવિઝન હતા જેમાંથી માત્ર ત્રણ જ રહ્યા હવે પરત આ વિસ્તારમાં સૈનિકોનો જમાવડો વધારવામાં આવી રહ્યો છે.


ડોડામાં તાજેતરમાં ફરી સૈન્ય પર હુમલો થયો છે, આ એ જ આતંકીઓ હોવાની શક્યતા છે કે જેઓએ સોમવારે સૈન્ય પર હુમલો કરતા એક કેપ્ટન અને ત્રણ જવાનો શહીદ થયા હતા. પોલીસે ડોડાના ભલ્લેસામાં રહેતા શૌક અલીની ધરપકડ કરી છે. જેના પર ત્રણ આતંકીઓને શરણ આપવાનો આરોપ છે. તે ઓવરગ્રાઉંડ વર્કર હોવાની પણ શક્યતા છે. હુમલા પહેલા તેણે આતંકીઓને ભોજન રહેવા સહિતની મદદ કરી હતી. દરમિયાન જમ્મુ કાશ્મીરની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીએ કહ્યું છે કે આતંકી હુમલા વચ્ચે ભારતે હવે પાકિસ્તાન પર વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર છે. પાક.ને એવો પાઠ ભણાવો કે વર્ષો સુધી જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થપાયેલી રહે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News