ગાંધીનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી તસ્કર ટોળકીનો તરખાટ વધી રહ્યો છે ત્યારે રાત્રે નવા પિંપળજમાં ત્રાટકેલી આ ટોળકી એક બે નહીં પરંતુ પાંચ મકાનોને નિશાન બનાવ્યા હતા, જે પૈકી એક મકાન માંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને 3.33 લાખની ચોરી જવામાં તસ્કરો સફળ રહ્યા હતા. બનાવ અંગે પેથાપુર પોલીસે ગુનો દાખલ કરીને અજાણ્યા તસ્કરોને શોધવાની તજવીજ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, ગાંધીનગર નજીક આવેલા નવા પિંપળજ ગામમાં ત્રાટકેલી તસ્કર ટોળકીએ પાંચ મકાનોને નિશાન બનાવ્યા હતા.
આ અંગે નવા પિંપળજમાં રહેતા અને જીપીસીબીમાં કોમ્ય્પુટર ઓપરેટર તરીકે ફરજ નિભાવતા રાહુલસિંહ કનકસિંહ રાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગતરોજ રાત્રે તે મકાનના ધાબા ઉપર સુઇ ગયા હતા અને તેમની માતા જનકબા મકાનના આંગણાંમાં સુતા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનની જાળીનું તાળું તોડી મકાનમાં પ્રવેશી તિજોરીમાંથી રૂપિયા 1.75 લાખ રોકડા અને સોના-ચાંદીનાં દાગીના મળી કુલ રૂપિયા 3.33 લાખની ચોરી લીધી હતી.
આ ઉપરાંત તેમની બાજુમાં રહેતા દિલીપસિંહ બબાજી વાઘેલા, પાછળના ભાગે રહેતા પ્રવિણસિંહ છત્રસિંહ રાણા, પ્રદિપસિંહ કનકસિંહ રાણા તથા હંસાબા ઇશ્વરસિંહ રાણાના મકાનના તાળા પણ તોડયા હતા. જોકે, તેમાંથી કોઇ માલસામાન ચોરાયો ન હતો. બનાવ અંગે પેથાપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500