ગાંધીનગર શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ ગોકુળપુરા-સે-14માં છેલ્લા બે દિવસથી પાણીજન્ય કોલેરાનો રોગચાળો ફાટી નિકળ્યો છે. જેમાં ત્રણ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા ત્યારે ગતરોજ 12 વર્ષિય કિશોરીનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે બીજીબાજુ સર્વેલન્સ દરમ્યાન આ જ વિસ્તારમાંથી ઝાડા ઉલ્ટીના શંકાસ્પદ નવા 24 દર્દીઓ પણ પ્રકાશમાં આવ્યા છે. જેમને પણ સારવાર આપવામાં આવી છે. તો આ કોલેરાગ્રસ્ત વિસ્તારમાં ટેન્કર મારફતે પાણી અને ઓઆરએસ પેકેટ-ક્લોરીનની ટેબલેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે અઠવાડિયાથી પાણીજન્ય કોલેરાના કેસ પ્રકાશમાં આવી રહ્યા છે. દહેગામ અને કલોલ શહેરી વિસ્તાર ઉપરાંત પેથાપુર, શિહોલી મોટીમાં એક જ દિવસે દર્દીઓ મળી આવ્યા હતા જેના પગલે આ વિસ્તારમાં કોલેરા નિયંત્રણના પગલા ભરીને રોગચાળાને કાબુમાં લેવામાં આવ્યો હતો ત્યારબાદ સેક્ટર-20, વાવોલ, સે-13, દહેગામ, બારૈયા અને રખિયાલમાં છુટાછવાયા એકાદ-બે કેસ કોલેરાના મળી આવ્યા હતા. તે દરમ્યાન છેલ્લા ગાંધીનગર શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ ગોકુળપુરા-સે-14માંથી કોલેરાના એક સાથે ત્રણ પોઝિટિવ કેસ તથા 25 જેટલા ઝાડા ઉલ્ટીના દર્દીઓ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું.
મ્યુ.કમિશનર સહિત આરોગ્યની ટીમોએ આ કોલેરાગ્રસ્ત વિસ્તારમાં ધામા નાખ્યા હતા અને સર્વેલન્સ માટે 10 ટીમો બનાવીને દોડાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા આજે સર્વે કરતા અસરગ્રસ્ત વિસ્તારમાંથી ઝાડા ઉલ્ટીના શંકાસ્પદ વધુ 24 દર્દીઓ મળી આવ્યા હતા. જેમાં એક કિશોરીનો કોલેરા ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે. પેટમાં દુઃખાવો અને ઝાડા તથા ઉલ્ટીની તકલીફ આ વિસ્તારના રહિશોમાં વધી રહી છે જેમને તાત્કાલિક આરોગ્યની સેવા મળી રહે તે માટે અહીની આંગણવાડીમાં 24 કલાક કાર્યરત ઓપીડી પણ ઉભી કરવામાં આવી છે. સાથે સાથે ટીમ દ્વારા આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. ક્લોરિનની ટેબલેટ તથા ઓઆરએસના પેકેટનું પણ ઘરે ઘરે વિતરણ કરવામાં આવી રહ્યું છે જ્યારે પાણીનુ ટેન્કર દ્વારા વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500