ડોલવણમાં અંતાપુર ગામના કોટવાળીયા ફળીયામાં આડા સબંધની શંકા સેવતા પતિએ લોખંડના પાવડાથી માથાના ભાગે પત્નીને મારમારી યમસદન પહોંચાડી દીધી હતી, બનાવની જાણ થતા ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ ડોલવણ તાલુકાના અંતાપુર ગામમાં પતિ-પત્નીના સબંધોનો અંત આવ્યો છે.આડા સબંધની શંકા રાખી પતિએ લોખંડના પાવડાથી માથાના ભાગે પત્નીને માર મારી હત્યા કરી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.અંતાપુર ગામના કોટવાળીયા ફળીયામાં રહેતા ફરીયાદી દેવજીભાઇ હેરજીભાઇ કોટવાળીયા નાઓના રહેણાંક ઘરમાં તા.૦૨/૦૪/૨૦૨૩ના રોજ રાત્રીના અરસામાં તેમની દિકરી અરૂણાબેન દેવજીભાઇ કોટવાળીયા (ઉ.વ.૩૨)નાને તેમના પતિ શૈલેશભાઇ બાબુભાઇ કોટવાળીયાએ આડા સબંધોનો વહેમ રાખી અરૂણાબેન કોટવાળીયાને માથામાં ડાબી બાજુના કાન ઉપર પાછળના ભાગે તથા ડાબી આંખ પાસે લોખંડના પાવડાથી માર મારતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
બનાવ અંગે મૃતક અરૂણાબેન કોટવાળીયાના પિતા દેવજીભાઇ હેરજીભાઇ કોટવાળીયાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તા.૦૩/૦૪/૨૦૨૩ નારોજ હત્યારો પતિ શૈલેષભાઇ બાબુભાઇ કોટવાળીયા વિરુદ્ધ ઈપીકો કલમ-૩૦૨ તથા જીપીએક્ટ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500