ધરમપુરની સાઈનાથ હોસ્પિટલના સર્પદંશ કેસોમાં મહારથ હાંસલ કરનારા નિષ્ણાંત તબીબ ડો.ડી.સી.પટેલે અસ્પી કોલેજ ઓફ હોર્ટિકલચર એન્ડ ફોરેસ્ટ્રી નવસારીના 37 વિદ્યાર્થીઓને સર્પદંશની ફિલ્ડ ઇમરજન્સીમાં ફર્સ્ટ એઇડ અંગેની તાલીમ આપી હતી. ડો.આદિલ કાઝી ડિપાર્ટમેન્ટ ઓફ વાઈલ્ડ લાઈફ સાયન્સ, કોલેજ ઓફ ફોરેસ્ટ્રી નવસારી કૃષિ યુનિવર્સિટીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ત્રિદિવસીય તાલીમના પ્રથમ દિવસે ડો.ડી.સી.પટેલે વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કોમન ક્રેટ અને રસલ વાયપર દંશના દર્દીઓ સાથે મુલાકાત કરાવી સર્પદંશ અંગે સમજણ આપી હતી. પટેલે પીપીટીના માધ્યમથી ઝેરી, બિનઝેરી સર્પની ઓળખ, સર્પદંશનો સમય, સર્પદંશથી થતી તકલીફો, સર્પદંશથી બચાવ માટેની સાવચેતીની તસ્વીરો સાથે વિસ્તૃત માહિતી હતી.વધુમાં એવી સમજણ પણ આપી હતી કે, ઝેરી/બિન ઝેરી સર્પદંશના બનાવમાં સમય ન વેડફી એમ્બ્યુલન્સ, ખાનગી વાહનોમાં દર્દીને નજીકની વેન્ટિલેટર, ઓક્સિજનની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં લઈ જવું, બાઈટ એરિયા ઉપર કટ નહીં કરવું, સાપને મારવું નહીં, સચોટ સારવાર માટે સર્પનો તેમજ રસ્તામાં દંશની જગ્યાના ફોટાઓ પાડી ડોકટરને બતાવવા સહિતની વિસ્તૃત સમજ આપી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ સાથે ઝેરી સર્પના દંશથી દર્દીને મોઢામાંથી લોહી નીકળવું, આંખની ઉપરની પાંપણ ભારી થવી, બોલવામાં તોટડાપણું આવવું, પેટમાં દુખાવો સહિતના ચિન્હો અને લક્ષણો બતાવી દર્દીના પ્રેસર, પલ્સ રેઈટનું ધ્યાન રાખવા જણાવી સર્પના ખોરાક માટે બિઝનેસ બાઈટ અને બચાવ માટે ડિફેન્સ બાઈટ આમ દંશના બે પ્રકારોની સમજણ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500