ડાંગ જિલ્લામાં તારીખ ૨૬ જુલાઈ, ૨૦૨૪ શુક્રવારના રોજ સવારના છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૧૦૬ મી.મી.વરસાદ નોંધાયો છે. જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન આહવા તાલુકામાં ૭૭ મી.મી (મોસમનો કુલ ૮૫૭ મી.મી), વઘઇમાં ૭૭ મી.મી (મોસમનો કુલ ૧૦૬૫ મી.મી), સુબીરમાં ૧૬૪ મી.મી (મોસમનો કુલ ૯૨૬ મી.મી), મળી જિલ્લામાં સરેરાશ ૧૦૬ મી.મી (મોસમનો કુલ ૯૪૬ મી.મી), વરસાદ નોંધાયો છે. જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯૯ મી.મી વરસાદ નોંધાવા પામ્યો છે.
દરમિયાન આજે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના દસ જેટલા ગ્રામ્ય માર્ગો, વરસાદી પાણીને લઈ, અવરોધાયા છે. જેમાં સુબિર તાલુકાના (૧) હિંદળાથી ધુડા રોડ, અને (૨) કાકડવિહીરથી ખેંરિન્દ્રા-ચમારપાડા રોડ, સહિત આહવા તાલુકાના (૧) ચિકટીયા-ગાઠવી રોડ, અને (૨) રાનપાડા-ભાપખલ-બારીપાડા રોડ, તથા વઘઇ તાલુકાના (૧) ખાતળ ફાટકથી ઘોડી રોડ, (૨) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૧, (૩) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૨, (૪) વાઝટઆંબા-કોયલીપાડા રોડ, (૫) ઘોડવહળ વી.એ.રોડ, અને (૬) આહેરડી-બોરદહાડ રોડ ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.
જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. દરમિયાન આહવા-વ્યારા રાજ્ય ધોરી માર્ગ ઉપર તાપી જિલ્લાના હદ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાને કારણે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે, રોડ બંધ કરવામાં આવ્યો હતો. સરૈયા ગામ નજીક વરસાદી પાણી રોડ ઉપર ભરાવાથી સવારની આહવા-વ્યારા-આહવા બન્ને તરફની એસ.ટી.બસોને સલામત સ્થળે રોકી દેવામાં આવી હતી. બસના મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે, વહીવટી તંત્ર દ્વારા વૈક્લપિક વ્યવસ્થાના ભાગરૂપે, અન્ય બસમાં ખસેડવામા આવ્યાં હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500