Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન જિલ્લાનો સરેરાશ ૭૨૯.૬૭ મી.મી. વરસાદ નોંધાયો

  • July 25, 2024 

ડાંગ જિલ્લાનાં ડિઝાસ્ટર તંત્ર પાસેથી મળેલ વિગતો મુજબ બુધવારના રોજ સવારના છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૧૫૮ મી.મી.વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાનના વરસાદના આંકડા જોઇએ તો, આહવા તાલુકામાં ૧૫૪ મી.મી (મોસમનો કુલ ૭૦૬ મી.મી), વઘઇમાં ૧૮૫ મી.મી (મોસમનો કુલ ૮૬૮ મી.મી), સુબીરમાં ૧૩૫ મી.મી (મોસમનો કુલ ૬૧૫ મી.મી), મળી જિલ્લામાં સરેરાશ ૧૫૮ મી.મી (મોસમનો કુલ ૭૨૯. ૬૭ મી.મી), વરસાદ નોંધાયો છે. જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮૯ મી.મી વરસાદ નોંધાયો છે. દરમિયાન આ લખાય છે ત્યાં સુધી, એટલે કે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના વઘઇ તાલુકાના પાંચ જેટલા ગ્રામ્ય માર્ગો, વરસાદી પાણીને લઈ, અવરોધાયા છે.


જેમાં (૧) ખાતળ ફાટકથી ઘોડી રોડ, (૨) વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, (૩) સુસરદા વી.એ.રોડ, (૪) ઘોડવહળ વી.એ.રોડ, (૫) આહેરડી-બોરપાડા રોડ ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ટોપિંગ થવાથી અવરોધાયા છે. જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.


ઉલ્લેખનિય છે કે, ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મનભરીને માણવા માટે, પ્રકૃતિપ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે. ત્યારે અહીંના નદી, નાળા, કોતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષો, વન્યજીવો વિગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો, ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનું જોખમ ઊભું કરતા હોય છે. જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે.


જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક નહિ કરવા, જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી નહિ કરવા, નદી-નાળા-કોતરો કે જળધોધમા નહિ ઉતરવા, વરસાદી વ્હેણ કે પાણી ભરાયાં હોય તેવા માર્ગો કે પુલો ઉપરથી પસાર નહીં થવા સાથે, ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહિ કરવા, કાયદો વ્યવસ્થા જાળવતા લાશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવા જેવી બાબતે, વિશેષ જાગૃતિ સાથે પ્રજાધર્મ નિભાવવા, જિલ્લા વહીવટી તંત્રએ સૌને ફરીવાર અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application