ચીનમાં કોરોના વાયરસનાં કેસો ફરી વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આ દેશમાં કોવિડનાં રોજના નોંધાતા કેસ હવે મહામારીની શરૂઆત પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે. સત્તાવાર આંકડાઓ પ્રમાણે દેશમાં એક જ દિવસમાં 30 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. વધતા જતા કેસોને જોતા ચીનમાં ફરીથી ઘણા નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. બીજી તરફ ઝોંગઝોઉમાં લોકડાઉન અને પગાર વિવાદ સહિતના ઘણા કડક કોવિડ નિયમોને લઈને ભારે નારાજગી હતી અને કર્મચારીઓ અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
નેશનલ હેલ્થ બ્યુરોએ જણાવ્યું હતું કે, ચીનમાં બુધવારે 31,454 કેસ નોંધાયા હતા જેમાંથી 27,517 કોઈ લક્ષણો વગરના હતા. ચીનની 1.4 બિલિયનની વિશાળ વસ્તીની સરખામણીમાં કેસની સંખ્યા પ્રમાણમાં ઓછી હોવા છતાં બેઈજિંગની કડક શૂન્ય-કોવિડ નીતિ હેઠળ કેસો નોંધાતા આખા શહેરોને સીલ કરી શકાય છે અને કોરોના સંક્રમિત લોકોને ખૂબ જ સખ્ત ક્વોરોન્ટાઈનમાં રાખી શકાય છે. ચીનમાં એક બાદ એક પ્રતિબંધો અને કડક દિશાનિર્દેશોએ લોકોને થકાવી દીધા છે અને ગુસ્સે કર્યા છે કારણ કે, કોરોના કેસ ત્રીજા વર્ષમાં પ્રવેશી રહ્યો છે.
સતત પ્રતિબંધોએ છૂટાછવાયા વિરોધને વેગ આપ્યો છે અને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશમાં ઉત્પાદકતાના સ્તરને અસર કરી છે. હવે બુધવારે નોંધાયેલા દૈનિક 31,454 કેસ એપ્રિલના મધ્યમાં નોંધાયેલા 29,390 કરતા ઘણા વધારે છે જ્યારે મેગા-સિટી શાંઘાઈ સખત લોક ડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્થાનિક લોકોને ખાવાનું ખરીદવા અને મેડિકલ સુવિધા પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500