ભરૂચમાં વાલિયા તાલુકાનાં ચમારિયા ગામે રહેતાં શખ્સને ત્યાં કામ કરતી કામવાળીએ તેના સાગરિત સાથે મળી કબાટમાંથી સોનાના રૂપિયા 3.09 લાખનાં દાગીની ચોરી થઈ હતી. બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાલિયા તાલુકામાં આવેલાં ચમારિયા ગામે રાજપૂત ફળિયામાં રહેતાં પ્રકાશ દોલતસિંહ સીમોદરીયા તેમજ તેમના પિતા ખેતી કરી પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરે અંબા સુરેશ વસાવા કામવાળી તરીકે કામ કરતી હતી.
ગત 27મી માર્ચે તેમની બહેન ચેતના રાજેન્દ્રસિંહ કોસાડા વેકેશન કરવા માટે તેમના ઘરે આવ્યાં હતાં. તેમની બહેને તેમના દાગીના જેમાં સોનાની ચેઇન, મંગળસુત્ર, સોનાનું પેન્ડલ તેમજ સોનાની 2 વિંટી તથા 2 બુટ્ટી સહિત કુલ 3.09 લાખના દાગીના પ્રકાશભાઇને મૂકવા માટે આપતાં તેમણે એક પાકિટમાં તે દાગીના મુકી કબાટમાં મુક્યાં હતાં. જોકે, કબાટને લોક માર્યું ન હતું. ત્યારબાદ ખેતરે જઇને આવ્યાં બાદ તેમણે દાગીના ભરેલું પાકિટ અન્ય કબાટમાં મૂકવા પાકિટ લેવા જતાં તે મળ્યું ન હતું.
જેથી તેમણે તેમના પત્નિને પુછતાં પર્સ અંગે જાણ ન હોઇ તેમની કામવાળી અંબા વસાવા પર શંકા હોઇ તેની પુછપરછ કરતાં તેણે ચોરીની કબુલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, તેણે પર્સ કબાટમાંથી કાઢી વાલિયાના મંગા કાળીયા વસાવાને આપ્યાં છે. જેથી તેમણે ગામના સરપંચના ઘરે તેમની કામવાળી અંબા વસાવા તેમજ મંગા કાળીયા વસાવાએ ઘરેણાંની ચોરીની કબુલાત કરવા સાથે તેઓ ઘરેણાં પરત આપી દેશે તેમ જણાવતાં તેમણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે, લાંબા સમય સુધી તેઓ દાગીના આપવાનું ટાળતાં આખરે તેમણે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500