બોટાદના સાળંગપુર રોડ પર આવેલ પોસ્ટ ઓફિસ સામે મહંમદ ગફુર સોસાયટીમાં રહેતા માતાને પુત્રએ રાત્રિના સમયે ગળે ટૂંપો આપી ઓશીકા વડે મોઢું દબાવી મોતને ઘાટ ઉતારી દીધાની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. માતાને શખ્સ સાથે આડો સંબંધ હોવાની શંકા રાખી પુત્રએ આ કૃત્ય આચર્યાનું ફરિયાદમાં જણાવાયું હતું. બનાવની ઉપલબ્ધ થતી માહિતી અનુસાર બોટાદના સાળંગપુર રોડ પર આવેલ પોસ્ટ ઓફિસ સામે મહંમદ ગફુર સોસાયટી ખાતે રહેતા એજાજખાન ગનીખાન પઠાણે બોટાદ પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ આફતાબ ગનીખાન પઠાણ વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતાના પિતા ગનીખાન મજીદભાઈ પઠાણનું સને 2015માં અવસાન થયેલ છે.
પોતે પરિણીત છે અને સંયુક્ત કુટુંબમાં રહે છે. દરમિયાન તારીખ 29/06/2024નાં રોજ રાત્રીના 10 વાગ્યાના અરસામાં પોતે રૂમમાં સૂતા હતા ત્યારે પોતાના માતા અફસાનાબેન રાત્રીના સાડા દસેક વાગ્યે ઘરે આવતા પોતે પોતાના માતાને પૂંછ્યું હતું કે, તમે જમ્યા ? આથી માતાએ કહેલ કે, હું જમીને આવેલ છું. દરમિયાન માતા અફસાનાબેન રસોડા પાસે આવેલા હોલમાં ખાટલા ઉપર સુઈ ગયા હતા અને પોતે પોતાના રૂમમાં સુવા માટે જતો રહ્યો હતો. જ્યારે પોતાનો ભાઈ આફતાબ ગનીખાન પઠાણ હજુ સુધી ઘરે આવ્યો ન હતો.
વહેલી સવારના સાડા ત્રણ ચારેક વાગ્યાના અરસામાં પોતાના ભાઈ આફતાબે રૂમનો દરવાજો ખખડાવીને કહ્યું હતું કે, માતાને કંઈક થઈ ગયું છે, બોલાવતા કાંઈ બોલતા નથી. જેથી તુરંત જ માતા અફસાનાબેનને રિક્ષામાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે અફસાનાબેનને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને લઈને પરિવાર શોકમગ્ન હતો ત્યારે નાના પુત્ર આફતાબ પર શંકા પડતા પરિવારજનોએ આફતાબને શંકાની દ્રષ્ટિએ પૂછતા તેણે જણાવેલ કે, માતાને ખોજાવાડીમાં રહેતા લાલો ઉર્ફે ઇરફાન ખોખર સાથે આડા સંબંધ હોવાથી લાગી આવતા પોતાને ખીજ ચડતા ગળુ દબાવી તથા ઓશિકાથી મોંઢા પર ડુચો દઈ દેતા મમ્મી મરણ ગયેલ હતા. તેમ ફરિયાદમાં જણાવાયું હતું. બનાવ અંગે મૃતકનાં પુત્ર એજાજખાને બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આફતાબ ગનીખાન પઠાણ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં, માતાની હત્યા કરવાના ગુનામાં આફતાબ ગનીખાન પઠાણ (ઉ.વ.22)ને ઝડપી લીધો હોવાનું બોટાદ પોલીસ મથકના પી.આઈ. ખરેડીએ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500