સત્યાગ્રહની ભૂમિ તરીકે આગવી ઓળખ ધરાવનાર બારડોલી તાલુકા મથકે ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાના ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, દેશના વીરોને યાદ કરી, તેમને વંદન કરી, માન સન્માન અને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર દેશમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. દેશ માટે અનેક વીર-વિરાંગનાઓએ પોતાના બલિદાનો આપ્યા છે. દેશની સરહદોની રક્ષા કરતા જવાનો-શહીદો ને યાદ કરવાનો અવસર મળ્યો છે. બારડોલીની ઐતિહાસિક ધરતી પર સરદાર વલ્લભભાઈ પટેલે અંગ્રેજોના અન્યાયી કરવેરા વિરૂધ્ધ અહિંસક આંદોલન કર્યું છે, જે સમગ્ર વિશ્વમાં બારડોલી સત્યાગ્રહ તરીકે પ્રસિધ્ધ થયો હતો.
જિલ્લાના અનેક સત્યાગ્રહીઓએ અંગ્રેજોના અત્યાચારો સહન કર્યા હતા, ત્યારે મહામુલી આઝાદી મળી છે. તેમણે કહ્યું કે, બારડોલી તાલુકાના તમામ ગામોની માટી એકત્ર કરવા સાથે તમામ તાલુકાઓની માટીને રાષ્ટ્રીય કક્ષાએ આવા ૭,૫૦૦ કળશો એકત્ર થશે, અને તે દિલ્હી કર્તવ્યપથ પર વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં ધારાસભ્યશ્રીના હસ્તે ‘શિલાફલકમ’ તકતીનું અનાવરણ કરાયું હતું. સૌ મહાનુભાવોનાએ માટીના દીવડા પ્રગટાવીને રાષ્ટ્રીય અખંડિતતા માટે તથા તેમના સન્માન માટે સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી. શહીદોના સન્માન માટે અને સ્વરાજ આશ્રમના અગ્રણી અને રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત નિરંજનાબા કલાર્થી અને ત.ક.મંત્રી મલેકભાઈને સન્માનિત કરાયા હતા. વસુદા વંદન હેઠળ વૃક્ષારોપણ તથા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500